'...તો મોહન ભાગવત જેલમાં હોત', 'આઝાદી' પર RSS વડાના નિવેદન પર રાહુલ ગાંધી ભડક્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના એ નિવેદનની ટીકા કરી હતી જેમાં તેમને કહ્યું હતું કે ભારતને 'સાચી આઝાદી' અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મળી હતી. રાહુલ ગાંધીએ મોહન ભાગવતના આ નિવેદનને 'દેશદ્રોહ' ગણાવ્યું હતું. નવી દિલ્હીમાં કોંગ્રેસના નવી ઓફિસ 'ઇન્દિરા ભવન'નું ઉદ્દઘાટન કર્યા પછી પાર્ટી કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, "ભારતને 1947માં સાચી સ્વતંત્રતા મળી ન હતી તે મોહન ભાગવતની ટિપ્પણી આપણા સ્વતંત્રતા સંગ્રામ પર હુમલો છે.આ લડવૈયાઓનું, દરેક ભારતીય નાગરિકનું અપમાન છે અને આપણા બંધારણ પર હુમલો છે."
રાહુલ ગાંધીના RSSના વડા પર પ્રહાર
રાહુલ ગાંધીએ RSSના પ્રમુખ પર નિશાન સાધતા કહ્યું, 'મોહન ભાગવત દરરોજ બે-ત્રણ દિવસમાં પોતાના નિવેદનથી દેશને એમ જણાવતા રહે છે કે તે સ્વતંત્રતા આંદોલન, બંધારણ વિશે શું વિચારે છે, તેમને તાજેતરમાં જે કહ્યું તે દેશદ્રોહ છે કારણ કે તેમના નિવેદનનો અર્થ છે કે બંધારણનું કોઈ વાજબીપણું નથી, તેથી બ્રિટિશરો સામેના સ્વતંત્રતા સંગ્રામનું કોઈ મહત્ત્વ નથી. મોહન ભાગવતે કહ્યું હતું કે અયોધ્યામાં રામલલાના અભિષેકની તિથિ 'પ્રતિષ્ઠા દ્વાદશી' તરીકે ઉજવવી જોઈએ, કારણ કે ઘણી સદીઓથી દુશ્મનોના હુમલાઓનો સામનો કરી રહેલા દેશને આ દિવસે સાચી સ્વતંત્રતા મળી હતી.
કોંગ્રેસના સાંસદે કહ્યું, 'મોહન ભાગવતમાં ભારતમાં જાહેરમાં આ કહેવાની હિંમત છે. જો કોઇ અન્ય દેશમાં આ વાત કહી હોત તો તેમની ધરપકડ કરવામાં આવી હોત અને તેમના પર કેસ ચલાવવામાં આવ્યો હોત. ભારતને 1947માં આઝાદી મળી નહતી એમ કહેવું એ દરેક ભારતીયનું અપમાન છે. આ બકવાસ સાંભળવાનું બંધ કરવાનો સમય આવી ગયો છે કારણ કે આ લોકો વિચારે છે કે તેઓ ફક્ત પુનરાવર્તન અને બુમો પાડતા રહેશે.'
આ પણ વાંચો: સોનિયા ગાંધીએ કર્યું 'ઇન્દિરા ભવન'નું ઉદ્દઘાટન, હવે 9A કોટલા રોડ કોંગ્રેસનું નવુ સરનામું
ભાજપ અને RSSને માત્ર કોંગ્રેસ રોકી શકે છે
રાહુલ ગાંધીએ કહ્યું, 'એમ ના વિચારો કે આપણે નિષ્પક્ષ લડાઇ લડી રહ્યાં છીએ તેમાં કોઇ નિષ્પક્ષતા નથી. જો તમે એમ માનો છો કો આપણે ભાજપ અથવા RSS નામના રાજકીય સંગઠન સામે લડી રહ્યાં છીએ તો તમે સમજી નથી શકતા કે શું ચાલી રહ્યું છે. આ બે વિચારો વચ્ચેની લડાઇ છે. એક આપણો વિચાર છે જે બંધારણનો વિચાર છે અને બીજી તરફ RSSનો વિચાર તેનાથી ઉલટ છે. દેશમાં કોઇ બીજો પક્ષ નથી જે ભાજપ અને RSSના એજન્ડાને રોકી શકે માત્ર કોંગ્રેસ જ તેમને રોકી શકે છે. કારણ કે આપણે એક વિચારધારાવાળી પાર્ટી છીએ.'

