DUSU ચૂંટણીમાં NSUIના સફાયા બાદ રાહુલ ગાંધી એક્શનમાં: કન્હૈયા કુમાર અને વિનોદ જાખડને કર્યા આકરા સવાલ

દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન એટલે કે DUSU ચૂંટણીમાં NSUIના નબળા પરિણામ બાદ કોંગ્રેસે સંગઠનની અંદર સમીક્ષા શરૂ કરી છે. સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ NSUI પ્રભારી કન્હૈયા કુમાર અને રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડ સાથે બેઠક કરી હતી. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ પણ બેઠકમાં હાજર હતા. અહેવાલો મુજબ બેઠકમાં ચૂંટણીના પરિણામ, ઉમેદવારની પસંદગી અને પ્રચારની રણનીતિ અંગે ચર્ચા થઈ હતી.
‘જીતની નજીક હતા, પછી શું થયું?’
સૂત્રોના હવાલાથી સામે આવેલી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીએ કન્હૈયા કુમાર અને વિનોદ જાખડ પાસેથી NSUIના પ્રદર્શન અંગે સ્પષ્ટતા માગી હતી. તેમણે ખાસ કરીને સવાલ કર્યો હતો કે NSUI અધ્યક્ષ પદની ચૂંટણીમાં જીતની નજીક હતી, તો આખરે પરિણામ આટલું અલગ કેમ આવ્યું? રાહુલ ગાંધીએ ચૂંટણી મેનેજમેન્ટ, ઉમેદવારની પસંદગી અને કેમ્પેઇન અંગે પણ સવાલો કર્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. વેણુગોપાલે પણ ટિકિટ વિતરણની પ્રક્રિયા અંગે કન્હૈયા કુમારને સવાલો કર્યા હતા.
દીપાંશુ શોકીનનો મુદ્દો પણ ચર્ચામાં
બેઠકમાં સૌથી વધુ ચર્ચાયેલો મુદ્દો દીપાંશુ શોકીનનો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. શોકીન અગાઉ NSUI સાથે જોડાયેલા હતા અને 2023 તથા 2024ની ચૂંટણીમાં સંગઠન માટે કેમ્પેઇન કરી ચૂક્યા હતા. 2026ની DUSU ચૂંટણીમાં તેઓ NSUIની ટિકિટ પર નહીં પરંતુ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા અને વાઇસ પ્રેસિડેન્ટ પદ જીતી ગયા. શોકીને 30,615 મત મેળવ્યા હતા, જ્યારે NSUIના ઉમેદવાર વીર છત્રથે 4,313 મત મેળવ્યા હતા.સુત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે શોકીનને સંગઠન સાથે કેમ રાખી શકાયા નહીં. કન્હૈયા કુમાર અને વિનોદ જાખડે શોકીન દ્વારા મૂકવામાં આવેલી કેટલીક શરતોને કારણ ગણાવી હોવાનું કહેવાય છે. જોકે, કોંગ્રેસ નેતા અમિતાભ દુબેએ આ અંગે અલગ દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે શોકીનને અધ્યક્ષ પદની ટિકિટ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકારી નહોતી અને બાદમાં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.
4માંથી 3 પોસ્ટ ABVPના ખાતામાં
DUSUના ચાર સેન્ટ્રલ પેનલ પદમાંથી ABVPએ ત્રણ પદ જીત્યાં હતા. યશ દબાસે પ્રેસિડેન્ટ, રિયા છાવડીએ સેક્રેટરી અને લક્ષ્ય રાજ સિંહે જોઇન્ટ સેક્રેટરી પદ જીત્યું હતું. વાઇસ પ્રેસિડેન્ટ પદ દીપાંશુ શોકીનના ખાતામાં ગયું હતું. NSUIને ચારેય પદમાંથી એકપણ પદ મળ્યું નહોતું. પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ABVPના યશ દબાસને 24,576 મત મળ્યા હતા, જ્યારે NSUIના વિજય શંકર મીનાને 22,523 મત મળ્યા હતા. એટલે આ બેઠક પર મુકાબલો નજીકનો રહ્યો હતો.
યુવા મતદારો સુધી પહોંચનો મુદ્દો
DUSUનું પરિણામ કોંગ્રેસ માટે એટલા માટે પણ મહત્વનું છે કે પાર્ટી છેલ્લા કેટલાક સમયથી યુવાનો અને ખાસ કરીને Gen-Z સુધી પહોંચ વધારવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલ ગાંધીના ‘છાત્રોં કી ગૂંજ’ જેવા આઉટરીચ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં DUSUનું પરિણામ કોંગ્રેસ સંગઠનમાં યુવા વિદ્યાર્થીઓ સુધીની પહોંચ અને કેમ્પસ સ્તરની સંગઠનાત્મક કામગીરી અંગે ચર્ચાનો વિષય બન્યું છે. બેઠક દરમિયાન વિદ્યાર્થીઓના સ્થાનિક મુદ્દાઓને વધુ અસરકારક રીતે કેમ્પસ સુધી પહોંચાડવા અને સંગઠનની કામગીરીની સમીક્ષા અંગે પણ ચર્ચા થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. હવે કોંગ્રેસ માટે મહત્વનો મુદ્દો એ રહેશે કે DUSUના પરિણામમાંથી મળેલા ફીડબેકના આધારે NSUIની ઉમેદવાર પસંદગી, સંગઠન અને કેમ્પેઇનને લઈને કયા ફેરફારો કરવામાં આવે છે.

