પંજાબ સરકારે હરભજનની Z+ સિક્યુરિટી હટાવી, તો ગૃહમંત્રાલયે આપી CRPF સુરક્ષા, જાણો કેન્દ્ર સરકારનો કવચ પ્લાન!

પંજાબના રાજકારણમાં પક્ષપલટા બાદ હવે સુરક્ષાને લઈને નવો વિવાદ છેડાયો છે. પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહના ઘરની બહાર થયેલા વિરોધ પ્રદર્શન અને પંજાબ સરકાર દ્વારા સુરક્ષા હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે હરભજન સિંહ સહિત ભાજપમાં જોડાયેલા તમામ 7 સાંસદોને CRPFની સુરક્ષા પૂરી પાડી છે.
કેન્દ્ર સરકારનો કવચ પ્લાન
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હરભજન સિંહ ઉપરાંત સંદીપ પાઠક, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સાહનીને હવે કેન્દ્રીય સુરક્ષા દળોનું રક્ષણ મળશે. આ નેતાઓ હવે દિલ્હી અને પંજાબ બંને જગ્યાએ CRPF કમાન્ડોના સુરક્ષા ઘેરામાં રહેશે. પંજાબમાં તેમના નિવાસસ્થાનોની બહાર વધી રહેલા રોષ અને હુમલાની આશંકાને જોતા કેન્દ્રએ આ નિર્ણય લીધો છે.
માન સરકારે હટાવી હતી Z+ સુરક્ષા
આ પહેલા રવિવારે સવારે જ મુખ્યમંત્રી ભગવંત માનની સરકારે હરભજન સિંહની Z+ કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. જલંધર સ્થિત તેમના નિવાસસ્થાનેથી 9-10 સુરક્ષાકર્મીઓ અને સરકારી ગાડીઓ હટાવી દેવામાં આવી હતી. હરભજનના પીએ (PA) મનદીપ સિંહે આ વાતની પુષ્ટિ કરી હતી.
કેમ લેવાયો આ નિર્ણય?
શનિવારે હરભજન સિંહના ઘરની બહાર દેખાવકારોએ કાળા સ્પ્રેથી 'પંજાબનો ગદ્દાર' લખી નાખ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દેખાવકારો જ્યારે દીવાલ પર લખી રહ્યા હતા ત્યારે પંજાબ પોલીસ ત્યાં હાજર હોવા છતાં મૂકપ્રેક્ષક બની રહી હતી. CM ભગવંત માને આ નેતાઓને જાહેરમાં ગદ્દાર ગણાવ્યા છે, જેના કારણે કાર્યકરોમાં ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે. રાઘવ ચઢ્ઢાએ અગાઉ દાવો કર્યો હતો કે, આપના 7 સાંસદો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ પક્ષપલટા બાદ પંજાબમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે, જેના કારણે હવે કેન્દ્રએ સુરક્ષાની કમાન પોતાના હાથમાં લેવી પડી છે.

