VIDEO : પંજાબના મુખ્યમંત્રીએ કેબિનેટ મંત્રી સામે લીધા કડક પગલાં, લાલસિંહ ભુલ્લરનું રાજીનામું
પંજાબના કેબિનેટ મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે શનિવારે, મુખ્યમંત્રી ભગવંત માનના નિર્દેશો બાદ પોતાનું રાજીનામું આપ્યું. તરનતારનના પટ્ટીથી ધારાસભ્ય ભુલ્લરને અમૃતસરમાં વેરહાઉસ કોર્પોરેશનના જિલ્લા મેનેજરની કથિત આત્મહત્યાના સંદર્ભમાં રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. હાલમાં તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા ભુલ્લરના રાજીનામા અંગે એક નિવેદન જારી કર્યું છે. પંજાબના CMO એ જણાવ્યું હતું કે, એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત સિંહ માને મંત્રી લાલજીત સિંહ ભુલ્લરનું રાજીનામું સ્વીકાર્યું છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મેનેજર ગગનદીપ સિંહ રંધાવાને એવું કહેતા સાંભળી શકા છે કે તેમણે ઝેરી પદાર્થ પી લીધું છે. રંધાવાએ પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરનું નામ લીધું હતું. આ પહેલા શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ આરોપ લગાવ્યો હતો કે, રંધાવાએ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી હતી.
મજીઠિયાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે, રંધાવાએ તેમના મૃત્યુના થોડા સમય પહેલા ભુલ્લરનું નામ લીધું હતું. પરિણામે તેમણે માંગ કરી હતી કે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે અને તમામ સંબંધિત તથ્યો પ્રકાશમાં લાવવામાં આવે. આ વીડિયો સામે આવ્યા બાદથી પંજાબમાં માનના નેતૃત્વવાળી સરકારને ભારે શરમનો સામનો કરવો પડ્યો છે, રાજ્યમાં વિપક્ષી દળોએ આ મુદ્દે માન સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે.

