પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં નોમિનેશન ફોર્મ ભર્યું, સોનિયા-રાહુલ ગાંધી રહ્યાં હાજર

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડ લોકસભા બેઠક પરથી નોમિનેશન ભર્યું છે. રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ બેઠક ખાલી થઇ હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીની સાથે સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રોબર્ટ વાડ્રા સહિત કેટલાક સીનિયર નેતા હાજર રહ્યાં હતા. નોમિનેશન ભરતા પહેલા પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં રોડ શો કર્યો હતો.
પ્રિયંકા ગાંધીએ કર્યો રોડ શો
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં નોમિનેશન ભરતા પહેલા રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહ્યાં હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સવારે 11 વાગ્યા બાદ કલપેટ્ટા ન્યૂ બસ સ્ટેન્ડથી રોડ શોની શરૂઆત કરી હતી. રોડ શો બાદ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી જનસભાને સંબોધી હતી.
સમર્થન માંગવા આવી છું- પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડમાં નોમિનેશન ભર્યા પહેલા જનસભાને સંબોધતા કહ્યું, "છેલ્લા 35 વર્ષથી હું અલગ અલગ ચૂંટણી માટે પ્રચાર કરી રહી છું. આ પ્રથમ વખત છે જ્યારે હું તમારા સમર્થનની માંગ મારા માટે કરી રહી છું. આ એક અલગ અનુભવ છે. હું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આભારી છું કે તેમને મને વાયનાડથી ઉમેદવાર બનાવવાની તક આપી."
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જ્યારે હું 17 વર્ષની હતી ત્યારે મે પ્રથમ વખત 1989ની ચૂંટણીમાં પોતાના પિતા માટે પ્રચાર કર્યો હતો. હવે 35 વર્ષ થઇ ગયા છે જ્યારે મે પોતાની માતા, પોતાના ભાઇ માટે પ્રચાર કર્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે હું પોતાના માટે પ્રચાર કરી રહી છું.
2024ની લોકસભા ચૂંટણીમાં બંને બેઠકો પરથી જીત્યા બાદ રાહુલ ગાંધીએ અમેઠી બેઠક જાળવી રાખતાં વાયનાડ સીટ ખાલી પડી હતી. પ્રિયંકા ગાંધી સામે ભારતીય જનતા પાર્ટી (BJP)એ નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર નવ્યાએ 2007માં બી.ટેક પૂર્ણ કર્યું. કોઝિકોડ કોર્પોરેશનના કાઉન્સિલર અને ભાજપ મહિલા મોરચાના રાજ્ય મહાસચિવ તરીકે પાર્ટી માટે કામ કરે છે.

