VIDEO: પ્રિન્સ રહીમ આગા ખાન પંચમની ભારત મુલાકાત ચર્ચામાં
નવી દિલ્હીમાં BRICS સંમેલન વચ્ચે પ્રિન્સ રહીમ આગા ખાન પંચમની ભારત મુલાકાત ચર્ચામાં છે. 12 ઓક્ટોબર 1971ના રોજ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં જન્મેલા પ્રિન્સ રહીમ આગા ખાન ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના 50મા ઇમામ છે. વર્ષ 2025માં તેમના પિતા આગા ખાન ચોથાના અવસાન બાદ તેમને આગા ખાન પંચમનું બિરુદ મળ્યું હતું. છ દિવસની ભારત મુલાકાત દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી છે. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક દ્વારા ભારતમાં ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ અને વિવિધ સામાજિક પ્રોજેક્ટ્સમાં મહત્વનું યોગદાન આપવામાં આવ્યું છે. પ્રિન્સની આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારતમાં ચાલી રહેલા સમાજસેવાના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાનો અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણના કામનું મૂલ્યાંકન કરવાનો છે. ભારત સરકાર અને ઉદ્યોગ જગતના નેતાઓ સાથે તેઓ સામાજિક-આર્થિક વિકાસના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી રહ્યા છે.

