રાષ્ટ્રપતિનું સત્તાવાર કાર્યાલય 6 દિવસ માટે શિમલા થશે શિફ્ટ, જાણો શું છે ખાસ કારણ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 એપ્રિલથી 2 મે સુધી શિમલાના પ્રવાસે જઈ રહ્યા છે. આ છ દિવસો માટે રાષ્ટ્રપતિનું સત્તાવાર કાર્યાલય દિલ્હીથી શિફ્ટ થઈને શિમલાથી કાર્યરત થશે. નોંધનીય છે કે દિલ્હીની બહાર રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસો માત્ર શિમલા અને હૈદરાબાદમાં જ આવેલા છે. હિમાચલ પ્રદેશ સરકારે રાષ્ટ્રપતિની આ મુલાકાતને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનની તમામ જરૂરી ફાઈલો અહીં લાવવામાં આવશે. અને રાષ્ટ્રપતિ સચિવાલય અહીંથી જ વહીવટ સંભાળશે.
લાકડા અને માટીથી બનેલી ઐતિહાસિક ઇમારત
દેશમાં કુલ ત્રણ રાષ્ટ્રપતિ નિવાસ છે, જેમાં સૌથી જૂનું નિવાસસ્થાન શિમલાના 'મશોબરા'માં આવેલું છે. અગાઉ તેને 'ધ રિટ્રીટ' તરીકે ઓળખવામાં આવતું હતું. શિમલાથી 12 કિમી દૂર મશોબરાની શાંત ટેકરીઓમાં સ્થિત આ ઇમારત 175 વર્ષથી વધુ જૂની છે. આ ઇમારત 'ધજ્જી' નિર્માણ શૈલીમાં બનેલી છે, જેમાં લાકડા અને માટીની દિવાલો બનાવેલી છે. આ શૈલીની ઇમારતોની ખાસિયત એ છે કે તે ભૂકંપ પ્રતિરોધક હોય છે. સાથે કુદરતી રીતે ઉનાળામાં ઠંડી અને શિયાળામાં ગરમ રહે છે.
પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
રાષ્ટ્રપતિ નિવાસ મશોબરા તેની સુંદરતા માટે જાણીતું છે. અહીં 300થી વધુ સફરજનના છોડ છે, જેમાં અનેક વિદેશી જાતોનો સમાવેશ થાય છે. અહીં ભવ્ય ટ્યૂલિપ ગાર્ડન આવેલું છે, જેનું ઉદ્ઘાટન ત્રણ વર્ષ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતે જ કર્યું હતું. અહીં ડેનમાર્ક અને વેલેમાર્ક જેવી વિદેશી જાતોના ફૂલો ખીલે છે.ઇમારતની આસપાસ હરિયાળી અને 360 ડિગ્રીનો મનોહર નજારો જોવા મળે છે.
જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિના પ્રવાસને ધ્યાનમાં રાખીને હાલમાં આ નિવાસસ્થાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. જે 3 મે બાદથી ફરી જાહેર જનતા માટે ખોલવામાં આવશે. અગાઉ રાષ્ટ્રપતિના આદેશથી જ આ ઐતિહાસિક સ્થળ સામાન્ય જનતા માટે ટિકિટ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

