જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની તૈયારી! 200થી વધુ સાંસદોએ કર્યા હસ્તાક્ષર

રાજ્યસભામાં જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી છે. રાજ્યસભાના ૬૦થી વધુ સાંસદોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. કોંગ્રેસના સાંસદ અને વ્હીપ નાસિર હુસૈને આ માહિતી આપી છે. અગાઉ લોકસભાના ૧૪૫ સભ્યોએ લોકસભા અધ્યક્ષને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. આમાં, જસ્ટિસ વર્માને પદ પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.
ઘણા પક્ષોના સાંસદોએ સમર્થન વ્યક્ત કર્યું
બંધારણની કલમ ૧૨૪, કલમ ૨૧૭ અને ૨૧૮ હેઠળ, કોંગ્રેસ, તેલુગુ દેશમ પાર્ટી, જનતા દળ યુનાઇટેડ, જનતા દળ સેક્યુલર, જનસેના પાર્ટી, આસામ ગણ પરિષદ, શિવસેના (એકનાથ શિંદે), લોક જનશક્તિ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-એમ સહિત અનેક પક્ષોના સાંસદોએ મહાભિયોગ લાવવા સંબંધિત મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા. અનુરાગ ઠાકુર, રવિશંકર પ્રસાદ, રાહુલ ગાંધી, રાજીવ પ્રતાપ રૂડી, પીપી ચૌધરી, સુપ્રિયા સુલે અને કેસી વેણુગોપાલ જેવા ઘણા વરિષ્ઠ નેતાઓના નામ પણ સહી કરનારાઓમાં છે.
૧૫ માર્ચે બળી ગયેલી નોટો મળી આવી હતી
દિલ્હીમાં જસ્ટિસ યશવંત વર્માના સરકારી મકાનમાંથી ૧૫ માર્ચ, ૨૦૨૫ના રોજ મોટી માત્રામાં રોકડ મળી હોવાનો આરોપ છે. આ ઘટના સામે આવ્યા પછી મામલો ગંભીર બન્યો હતો. હવે આ મામલો સંસદમાં પણ ગુંજ્યો છે. સત્તાધારી અને વિપક્ષના સાંસદોએ બંને ગૃહમાં સ્પિકરને આ મામલે પ્રસ્તાવ મુક્યો છે. હવે સંસદ આ મામલાની તપાસ કરશે. મહાભિયોગની પ્રક્રિયા હેઠળ, આરોપોની તપાસ શરૂ કરવામાં આવશે અને નક્કી કરવામાં આવશે કે જસ્ટિસ વર્માને પદ પરથી દૂર કરવા માટે કાર્યવાહી કરવી જોઈએ કે નહીં.
લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે જરૂરી સમર્થન મળ્યું
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રવિવારે માહિતી આપી હતી કે સંસદમાં જસ્ટિસ યશવંત વર્માને હટાવવા સંબંધિત મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે ૧૦૦થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. લોકસભામાં પ્રસ્તાવ રજૂ કરવા માટે જરૂરી સમર્થન મળ્યું છે. રવિવારે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બાદ રિજિજુએ કહ્યું, "હજુ પણ હસ્તાક્ષર પ્રક્રિયા ચાલુ છે, અને અત્યાર સુધીમાં 100થી વધુ સાંસદોએ તેના પર હસ્તાક્ષર કરી દીધા છે. સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ક્યારે રજૂ કરવામાં આવશે તે નક્કી બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC) કરશે.

