Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Prayagraj: Suspicious death of 4 members of the same family on Hevet Road creates panic

પ્રયાગરાજ: હીવેટ રોડ પર એક જ પરિવારના 4 સભ્યોની શંકાસ્પદ મોતથી ચકચાર

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
પ્રયાગરાજ: હીવેટ રોડ પર એક જ પરિવારના 4 સભ્યોની શંકાસ્પદ મોતથી ચકચાર
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના કોતવાલી વિસ્તારમાં આવેલા સાઉથ મલાકાના હીવેટ રોડ પર એક હૃદયકંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જ ઘર અને દુકાનમાંથી એક જ પરિવારના 4 સભ્યોના કોહવાયેલા મૃતદેહો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવવાને કારણે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જ્યારે ઘરનું તાળું તોડ્યું ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

App Store

પ્રાથમિક તપાસ અનુસાર, તમામ મૃતદેહો આશરે 2થી 3 દિવસ જૂના હોવાનું અનુમાન છે. શરીર પર ઈજાના નિશાનો મળી આવ્યા હોવાથી પોલીસ આ મામલાને ક્રૂર હત્યાના એંગલથી જોઈ રહી છે.

આ રીતે થયો ચોંકાવનારો ખુલાસો

માહિતી મુજબ, મંગળવારે હીવેટ રોડ પર આવેલા આ મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. આસપાસના લોકોએ ઘરની બહારથી બૂમો પાડી હોવા છતાં અંદરથી કોઈ જવાબ ન મળતા આખરે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ જ્યારે મકાનના ઉપરના માળે પહોંચી ત્યારે લોખંડના દરવાજા પર તાળું મારેલું હતું. પોલીસે તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે અલગ-અલગ રૂમમાંથી 3 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારબાદ નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનની તપાસ કરતા ત્યાંથી ચોથો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

મૃતકોની ઓળખ 70 વર્ષીય વિરેન્દ્ર વૈશ્ય, તેમની 65 વર્ષીય પત્ની અનીતા, 45 વર્ષીય અપરિણીત પુત્રી મીનાક્ષી અને 40 વર્ષીય પુત્ર અભિષેક તરીકે થઈ છે.

કરોડોની સંપત્તિ અને 14 દુકાનોના માલિક હતા

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મૃતક વિરેન્દ્ર વૈશ્ય કરોડોની સંપત્તિના માલિક હતા. તેમનું મકાન આશરે 200 ચોરસ વારમાં ફેલાયેલું હતું. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર તેમણે એક નાની માર્કેટ બનાવી રાખી હતી, જેમાં કુલ 14 દુકાનો આવેલી છે. આ 14 માંથી 12 દુકાનો તેમણે ભાડે આપેલી હતી, જ્યારે 1 દુકાન પુત્ર અભિષેક અને 1 દુકાન પુત્રી મીનાક્ષી ચલાવતા હતા. આ જ મકાનના ઉપરના ભાગમાં આખો પરિવાર રહેતો હતો.

સંપત્તિ વિવાદ અને પુત્રો પર શંકાની સોય

ડીસીપી મનીષ શાંડિલ્યએ આ મામલે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું કે, "ફોરેન્સિક ટીમની મદદથી ઘરના ખૂણે-ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે."

તેમણે વધુમાં એક મહત્ત્વનો ખુલાસો કરતા જણાવ્યું કે, "પ્રાથમિક વિગતો મુજબ મૃતક વિરેન્દ્રને બે પુત્રો હતા. તેમાંથી એક પુત્રની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે વિરેન્દ્રએ તેને આશરે 15થી 20 વર્ષ પહેલાં જ પોતાની તમામ મિલકતમાંથી બેદખલ કરી દીધો હતો. જ્યારે બીજો પુત્ર જે તેમની સાથે જ રહેતો હતો, તેની સાથે પણ વિરેન્દ્રને અવારનવાર મિલકત બાબતે મોટો વિવાદ ચાલતો હતો." હાલમાં પોલીસ પરિવારના એક પુત્રની શોધખોળ કરી રહી છે જે છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ હોવાનું કહેવાય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ હત્યાના ચોક્કસ સમય અને કારણોની સાચી હકીકત સામે આવશે.

ટોપિક્સ:gstvgstv newsprayagrajdeath case