VIDEO: પ્રજ્જવલ રેવન્ના પાસે જેલમાં ફોન મળતા મચી બબાલ, પૂર્વ IPS કિરણ બેદીએ જેલ તંત્રની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલો
જેલમાં બંધ પૂર્વ સાંસદ પ્રજ્જવલ રેવન્નાની મુશ્કેલીઓ ફરી વધી રહી છે. બેંગલુરુની પરપ્પના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન તેમની બેરેકમાંથી એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવ્યો છે. આ સુરક્ષા ચૂક અંગે પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ જેલ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા છે.
પૂર્વ IPS અધિકારીએ જેલ તંત્ર પર સાધ્યું નિશાન
પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદી એ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'તેમની પાસે સ્માર્ટફોન કેવી રીતે હોઈ શકે. શું તેમની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી નહોતી. તપાસ વગર કોઈ અંદર જઈ શકતું નથી. આનો અર્થ એ છે કે ચેકિંગ દરમિયાન બેદરકારી દાખવવામાં આવી હતી. તેમણે ચાલાકી વાપરીને ફોન છુપાવ્યો હોઈ શકે છે.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જેલમાં પ્રવેશ માટે ઈલેક્ટ્રોનિક સિસ્ટમ હોવા છતાં સુરક્ષામાં આવી ચૂક થવી એ મોટી ક્ષતિ છે.
અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ : કિરણ બેદી
કિરણ બેદીના જણાવ્યા અનુસાર કૈદી પાસેથી કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ મળે તો તે જેલ સુરક્ષા સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, 'જ્યારે કોઈ કૈદી ચાલાકીથી ફોન અંદર લઈ જાય છે, તો તે સમયે જે અધિકારીઓ તલાશી લેતા હતા તેમની સીધી જવાબદારી બને છે.'
જેલમાં 4થી 5 કલાકનું સર્ચ ઓપરેશન
પોલીસ મહાનિર્દેશક આલોક કુમાર એ માહિતી આપી હતી કે સીસીબીની ટીમે મંગળવારે જેલમાં 4થી 5 કલાક સુધી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન પૂર્વ સાંસદ પ્રજ્જવલ રેવન્ના (Prajwal Revanna)ની બેરેકમાંથી એન્ડ્રોઈડ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.
જેલના મદદનીશ સુપરિન્ટેન્ડેન્ટ સસ્પેન્ડ
અગાઉ 6 ઓગસ્ટે પણ જેલ અધિકારીઓએ બેરેકની તપાસ કરી હતી, પરંતુ ત્યારે કઈ જ મળ્યું નહોતું. આ ઘટના બાદ મદદનીશ સુપરિન્ટેન્ડેન્ટ ઈરન્ના રંગાપુર (Iranna Rangapur)ને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે બેંગલુરુ સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ સાંસદને જાતીય સતામણીના કેસોના સંબંધમાં મે 2024 માં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બેંગલુરુની એક વિશેષ અદાલતે ઓગસ્ટ 2025 માં તેમને આજીવન કેદની સજા ફટકારી હતી, ત્યારથી તેઓ આ જેલમાં બંધ છે.

