'કાનના પડદા, ફેફસાં અને આંતરડા ફાટ્યા', દિલ્હી બ્લાસ્ટમાં જીવ ગુમાવનારાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હચમચાવી દેશે

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા 12 લોકોના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ મુજબ ઘણા લોકોના શરીર પર ફ્રેક્ચર અને માથામાં ઈજાઓ જોવા મળી હતી. કેટલાક મૃતદેહોમાં ફેફસાં, કાન અને પેટમાં વિસ્ફોટના નુકસાનના ચિહ્નો જોવા મળ્યા. વિસ્ફોટથી કાનના પડદા, ફેફસાં અને આંતરડા ફાટી ગયા હતા, જે દર્શાવે છે કે વિસ્ફોટ કેટલો ગંભીર હતો. ઘણા લોકોના મૃત્યુનું કારણ વિસ્ફોટમાં ગંભીર ઈજાઓ અને વધુ પડતો રક્તસ્ત્રાવ હતો
ક્રોસ-ઈન્જરી પેટર્ન પણ જોવા મળી હતી, જે સૂચવે છે કે વિસ્ફોટથી લોકો દિવાલો અથવા જમીન પર પટકાયા હતા. પોસ્ટમોર્ટમમાં શરીર અથવા કપડાં પર કોઈ સ્પ્લિન્ટરના નિશાન જોવા મળ્યા નથી, પરંતુ અન્ય સંકેતો છે કે વિસ્ફોટમાં સંશોધિત વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે.
ફોરેન્સિક તપાસમાં વિસ્ફોટકનો થશે ખુલાસો
દિલ્હી કાર બ્લાસ્ટમાં વપરાયેલ વિસ્ફોટકની રાસાયણિક રચના ફક્ત ફોરેન્સિક તપાસ દ્વારા જ નક્કી કરી શકાશે. મોટાભાગના મૃતદેહો પર ઇજાઓ શરીરના ઉપરના ભાગમાં અર્થાત માથા અને છાતીમાં કેન્દ્રિત હતી. વિસ્ફોટમાં 24 લોકો ઘાયલ થયા હતા.
જણાવી દઈએ કે દિલ્હી બ્લાસ્ટ કેસમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાના અઢાર લોકોની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ મુજબ રસ્તા પર હંમેશની જેમ વાહનો પસાર થતા જોવા મળે છે, ત્યારે અચાનક વિસ્ફોટ થાય છે.

