ડ્રગ્સનો વેપલો કરી આતંકીઓ માટે કામ કરતા હતા પોલીસકર્મીઓ, 6 સરકારી કર્મચારીઓની ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ફંડિંગ સંબંધિત એક રેકેટનો પર્દાફાશ થયો છે. ડ્રગ્સ વેચીને આતંકવાદીઓને મદદ કરવા મામલે 6 સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરતાં બરતરફ કરવામાં આવ્યા છે. આ 6 અધિકારીઓમાં પાંચ પોલીસકર્મી અને એક શિક્ષકનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ સરકારી કર્મચારીઓ પાકિસ્તાનની ISI ના નાર્કો ટેરર નેટવર્કનો ભાગ હતા.
મળતી માહિતી મુજબ, આ લોકો જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સના ગેરકાયદે વેપારમાં મદદ કરીને તેમાંથી મળતા ફંડનો પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથે મળી આતંક ફેલાવવા માટે કરતા હતા. ડ્રગ્સના વેચાણ દ્વારા આતંકવાદી ફંડિંગમાં સામેલ છ સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપીઓની ઓળખ કોન્સ્ટેબલ ફારુક અહેમદ શેખ, કોન્સ્ટેબલ ખાલિદ હુસૈન શાહ, કોન્સ્ટેબલ રહેમત શાહ, કોન્સ્ટેબલ ઈર્શાદ અહમદ ચાકુ, કોન્સ્ટેબલ સૈફ દીન અને સરકારી ઈન્સ્પેક્ટર નજમ દીન તરીકે કરવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બંધારણની કલમ 311(2)નો ઉપયોગ કરીને આ તમામને તાત્કાલિક સેવામાંથી હટાવી દીધા છે. જણાવી દઈએ કે બંધારણમાં આ અનુચ્છેદ હેઠળ જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિ દેશની સુરક્ષા સાથે ખેલ કરે છે, તો રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ તેને કોઈપણ જાતની તપાસ વિના તરત જ સેવામાંથી હટાવી શકે છે.
2019માં કલમ 370 હટાવ્યા બાદ અત્યાર સુધીમાં 70 સરકારી કર્મચારીઓને આ પ્રકારના આરોપમાં બરતરફ કરવામાં આવ્યા છે. ગત મહિને બે પોલીસકર્મીઓ સહિત ચાર સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નાર્કો ટેરરમાં સામેલ થવા બદલ બરતરફ કરવામાં આવ્યા હતા. કોન્સ્ટેબલ મુશ્તાક અહેમદ પીર અને ઈમ્તિયાઝ અહેમદ લોન, શિક્ષણ વિભાગમાં કામ કરતા જુનિયર આસિસ્ટન્ટ અહેમદ મીર અને ગ્રામીણ વિકાસ વિભાગના મોહમ્મદ ઝૈદને બરતરફ કરવામાં આવ્યા હતા.
કેસની તપાસ કરી રહેલા અધિકારીએ જણાવ્યું કે આ તમામ આતંકી સંગઠનો માટે કામ કરતા હતા. ગુપ્તચર એજન્સીઓએ તેમના વિશે માહિતી મેળવી હતી. આ લોકો દ્વારા બ્રાઉન સુગર અને હેરોઈનની સ્મગલરી પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીરમાં થતી હતી. આતંકવાદી સંગઠનો માટે ભંડોળ એકત્ર કરવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

