VIDEO:'આ વખતની ચૂંટણી ત્રણ પરિવાર અને જમ્મુ કશ્મીરના નવયુવાનો વચ્ચે છે', ડોડાની રેલીમાં પીએમ મોદી

જમ્મુ કાશ્મીરમાં આ વખતે ચૂંટણી ત્રણ પરિવાર સામે અહીંના નવયુવાનોની છે. પરિવારવાદી પાર્ટીઓએ લોકોને અહીં ગુમરાહ કર્યા છે. અમે એક સુરક્ષિત જમ્મુ કાશ્મીરનું નિર્માણ કરીશું.
રેલીમાં ભીડને જોઈને ગદગદ થતાં પીએમ મોદીએ કહ્યું, 'તમે બધા ડોડા, કિશ્તવાડ અને રામબનના અલગ-અલગ ભાગોમાંથી અહીં પહોંચ્યા છો, તમે અહીં આવવા માટે કલાકો સુધી મુસાફરી કરી છે, તેમ છતાં તમારા ચહેરા પર થાકનું કોઈ નામોનિશાન નથી. ચારેબાજુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમારો આ પ્રેમ, તમારા આ આશીર્વાદનો બદલો હું દેશ અને તમારા માટે બમણું અને ત્રણ ગણું કામ કરીને ચુકાવીશ.તમે અને હું સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીરનું નિર્માણ કરીશું.
વિપક્ષી પાર્ટીઓને આડેહાથ લેતાં કહ્યું કે, 'તમે અહીં જે રાજકીય પક્ષો પર ભરોસો કર્યો તેમણે તમારા બાળકોની પરવા ના કરી. તેઓ એમના જ બાળકોને આગળ લઈ ગયા. જમ્મુ-કાશ્મીરના મારા યુવાનો આતંકવાદમાં ફસાઈ ગયા અને પરિવારવાદને પ્રોત્સાહન આપતી પાર્ટીઓ તમને ગેરમાર્ગે દોરતા રહી. આ લોકોએ નવા નેતૃત્વનો જમ્મુ-કાશ્મીરમાં ક્યાંય પણ ઉદય થવા દીધો નથી. આ વખતે ચુંટણી જમ્મુ-કાશ્મીરનું ભાવિ નક્કી કરવા જઈ રહી છે. આઝાદી બાદથી જ જમ્મુ અને કાશ્મીર વિદેશી તાકાતના નિશાના પર રહ્યું. એ પછી આ સુંદર રાજ્યને ભાઈ-ભત્રીજાવાદે પોકળ બનાવ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, 'તમને એ સમય યાદ છે જ્યારે સાંજ ઢળતાં જ અઘોષિત કર્ફ્યુ લાગી જતો હતો. કોંગ્રેસની કેન્દ્ર સરકારના ગૃહમંત્રી પણ લાલચોક જવાથી ડરતા હતા. પરંતુ હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અંતિમ શ્વાસ ગણી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં અહીં જે પરિવર્તન આવ્યું છે તે કોઈ સપનાથી ઓછું નથી. જે પથ્થરોથી સેના અને પોલીસ પર હુમલો થતો એ પથ્થરોથી નવું જમ્મુ અને કાશ્મીર બનવા જઈ રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે, 'આ વર્ષે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ત્રણ રાજવંશો અને જમ્મુ-કાશ્મીરના યુવાનો વચ્ચે યોજાવા જઈ રહી છે. કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના ત્રણ રાજવંશની સામે જમ્મુ-કાશ્મીરના મહત્વાકાંક્ષી યુવાનો ઉભા રહેશે. જમ્મુ-કાશ્મીરની દાયકાઓથી ચાલી રહેલી દુર્દશા માટે આ ત્રણ પરિવારો જવાબદાર છે. તેઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા રહ્યા અને તમારે પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડ્યો. આ પરિવારોએ ઘાટીમાં આતંકવાદ અને ઉગ્રવાદનો પાયો નાખ્યો. પોતાના અંગત લાભ માટે, આતંકવાદના પ્રચાર માટે સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડ્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપ પણ મિશન 50માં વ્યસ્ત છે. ભાજપ ઘાટીમાં કમળ ખીલવવાનો પ્રયાસ કરી રહી છે.
જણાવી દઈએ કે કાશ્મીર- ડોડામાં ચાર દાયકા એટલે કે 45 વર્ષ બાદ વડાપ્રધાનની આ પહેલી રેલી છે. 1979માં ઈન્દિરા ગાંધીએ ડોડામાં રેલી યોજી હતી. ચૂંટણીની જાહેરાત થયા બાદ પીએમ મોદીની જમ્મુ-કાશ્મીરની આ પહેલી મુલાકાત છે. ડોડા ઘણા દાયકાઓથી આતંકવાદથી પ્રભાવિત હોઈ પીએમ મોદીની રેલી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેલી સ્થળ પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. આ માટે સમગ્ર સંકુલને સીલ કરી દેવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ડોડા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ઐતિહાસિક ચૂંટણી કાર્યક્રમ યોજાયો છે.
ડોડામાં પીએમની રેલીની ચિનાબ ક્ષેત્રની 8 વિધાનસભા બેઠકો પર ખાસ અસર પડશે. જેમાં ડોડા, ડોડા પશ્ચિમ, ભદ્રવાહ, કિશ્તવાડ, ઇન્દ્રવલ, પાડર-નાગસેની, રામબન અને બનિહાલ. ભાજપના મિશન 50 માટે તમામ બેઠકો મહત્વપૂર્ણ છે. ભાજપ જમ્મુની તમામ 43 સીટો પર ચૂંટણી લડી રહી છે.
જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 18મી સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું 25મી સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1લી ઓક્ટોબરે થશે. ચૂંટણીનું પરિણામ 8મી ઓક્ટોબરે આવશે.

