આતંકીઓ ગમે તેટલા પાતાળમાં છુપાયેલા હોય, ભારતની મિસાઇલો તેમને દફનાવી દેશે: બિહારના ગયામાં PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પ્રવાસે છે. પીએમ મોદીએ 12000 કરોડ કરતા વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂરને યાદ કરતા આતંકવાદીઓને ચેતવણી આપી હતી.
આતંકીઓને પાતાળમાંથી પણ શોધીને ભારતની મિસાઇલો તેમણે દફન કરશે-PM મોદી
વડાપ્રધાન મોદીએ ગયામાં જનસભાને સંબોધતા કહ્યું કે, 'આ ધરતી પર લેવામાં આવેલો સંકલ્પ ક્યારેય ખાલી જતો નથી. જ્યારે કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો તયો હતો, આપણા નિર્દોષ નાગરિકોને તેમના ધર્મ પૂછીને મારવામાં આવ્યા. મેં બિહારની આ ધરતી પરથી આતંકીઓને માટીમાં ભેળવી દેવાની વાત કરી હતી. આજે દુનિયા જોઇ રહી છે, બિહારની ધરતી પરથી લેવામાં આવેલો સંકલ્પ પૂર્ણ થઇ ગયો છે. તમને યાદ હશે, પાકિસ્તાન આપણા પર ડ્રોન હુમલા કરતું હતું, મિસાઇલો છોડતું હતું અને બીજી તરફ ભારત પાકિસ્તાનની મિસાઇલોને હવામાં જ તોડી નાખતું હતું. પાકિસ્તાનની એક પણ મિસાઇલ આપણને નુકસાન પહોંચાડી શકી નહતી. સાથીઓ ઓપરેશન સિંદૂરે ભારતની રક્ષા નીતિની નવી લાઇન ખેચી દીધી છે. હવે ભારતમાં આતંકવાદીઓને મોકલીને હુમલો કરાવી કોઇ બચી નહીં શકે. આતંકવાદી પાતાળમાં જ કેમ સંતાયા ના હોય ભારતની મિસાઇલો તેમણે દફન કરી નાંખશે.
...તો 31માં દિવસે ખુરશી છોડવી પડશે-PM મોદી
PM મોદીએ કહ્યું કે, બંધારણ દરેક જનપ્રતિનિધિ પાસેથી પ્રામાણિકતા અને પારદર્શિતાની અપેક્ષા રાખે છે. આપણે બંધારણની ગરિમાનું ઉલ્લંઘન થતું જોઈ શકતા નથી. એટલા માટે NDA સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો લાવ્યો છે જેમાં દેશના વડાપ્રધાનનો પણ સમાવેશ થાય છે. આ કાયદામાં મુખ્યમંત્રીઓ અને મંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો કાયદો બને છે, તો પછી ભલે તે PM હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈપણ મંત્રી હોય, તેમણે ધરપકડના 30 દિવસની અંદર જામીન લેવા પડશે નહીંતર 31મા દિવસે ખુરશી છોડવી પડશે.
લાલટેન રાજમાં કેવી દુર્દશા હતી જરા યાદ કરો-PM મોદી
વડાપ્રધાન મોદીએ RJD પર પ્રહાર કરતા કહ્યું, યાદ કરો અહીં લાલટેન રાજમાં કેવી દુર્દશા હતી. લાલટેન રાજમાં આ વિસ્તાર લાલ આતંકથી ઝકડાયેલો હતો. સાંજ પછી ક્યાક આવવું જવું મુશ્કેલ હતું. ગયાજી જેવા શહેર લાલટેન રાજમાં અંધારામાં ડૂબેલા રહેતા હતા. હજારો ગામ એવા હતા જ્યાં વિજળીના થાંભલા પણ પહોંચ્યા નહતા.

