VIDEO: 'આતંકવાદ સામે કોઈનું પણ બેવડું વલણ ચાલશે નહીં', ચીન રશિયા સામે BRICSમાં પીએમ મોદીએ કહી આ વાત

પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે (23 ઑક્ટોબર) 16મી બ્રિક્સ સમિટને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ભારત યુદ્ધને નહીં, પરંતુ રાજકીય કુનેહ અને વાતચીતનું સમર્થન કરે છે. ચીન અને રશિયા જેવા મોટા દેશોના પ્રમુખોની સામે પણ આતંકવાદ પર પ્રહારો કરતા કહ્યું કે, આતંકવાદના મુદ્દે લોકોનું બેવડું વલણ ચાલશે નહીં.
પીએમ મોદીએ કહ્યું કે, આપણી આ મિટિંગ એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ યુદ્ધ, સંઘર્ષ, આર્થિક અનિશ્ચિતતા, જળવાયુ પરિવર્તન, આતંકવાદ જેવા અનેક પડકારોથી ઘેરાયેલું છે. વિશ્વમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમના વિભાજનની ચર્ચા છે. મોંઘવારી નિવારણ, ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, જળ સુરક્ષા એ તમામ દેશોની પ્રાથમિકતાના વિષયો છે. ટેકનોલોજીના યુગમાં સાયબર સુરક્ષા, ડીપ ફેક, ડિસઇન્ફોર્મેશન વગેરે નવા પડકારો વધ્યા છે. આવી સ્થિતિમાં બ્રિક્સને લઈને ઘણી અપેક્ષાઓ છે.
આતંકવાદ પર પીએમ મોદીનું કડક વલણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આતંકવાદ અને ટેરર ફંડિગનો સામનો કરવા માટે આપણે બધાએ મજબૂતીથી સહકાર આપવા સાથે આવવું પડશે. આવા ગંભીર વિષય પર બેવડા ધોરણોને કોઈ અવકાશ નથી. યુવાનોમાં કટ્ટરપંથને રોકવા માટે આપણે સક્રિય પગલાં ભરવાં પડશે. યુએનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનના પેન્ડિંગ મુદ્દા પર સાથે મળીને કામ કરવું પડશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, મારું માનવું છે કે વૈવિધ્યસભર અને સર્વસમાવેશક પ્લેટફોર્મ તરીકે બ્રિક્સ તમામ વિષયો પર સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. આ બાબતે આપણો અભિગમ લોકો કેન્દ્રિત રહેવો જોઈએ. આપણે વિશ્વને આ સંદેશ આપવો જોઈએ કે, બ્રિક્સ એ વિભાજનકારી નહીં પરંતુ જાહેર હિતનું જૂથ છે. બ્રિક્સ એક એવી સંસ્થા છે જે સમય સાથે પોતાને બદલવાની ઈચ્છા ધરાવે છે. આપણે સમગ્ર વિશ્વની સામે આપણું ઉદાહરણ બેસાડવું જોઈએ અને વૈશ્વિક સંસ્થાઓના સુધારા માટે સર્વસંમતિથી અવાજ ઉઠાવવો જોઈએ.
આપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, બહુપક્ષીય વિકાસ બેંકો, WTO જેવી વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે સમયસર આગળ વધવું જોઈએ. આ દરમિયાન આ સંગઠનની છબી એવી ન બને કે આપણે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારો નહીં પરંતુ તેને રિપ્લેસ કરવા માગીએ છીએ.
વિશ્વ પ્રત્યેના ભારતના અભિગમ વિશે કહ્યું કે, અમે યુદ્ધને નહીં પરંતુ સંવાદ અને મુત્સદ્દીગીરીને સમર્થન આપીએ છીએ. જે પ્રકારે અમે સાથે મળીને કોવિડને હરાવ્યો તેમ અમે ભવિષ્યની પેઢીઓ માટે સક્ષમ, સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ ભવિષ્ય માટે નવી તક ઊભી કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છીએ.

