Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi attacks Congress in Parliament

સત્તા સેવા બને તો રાષ્ટ્ર નિર્માણ થાય પરંતુ વારસામાં મળે તો લોકશાહીનો અંત, નામ લીધા વિના પીએમ મોદીના પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2025
લાઇવ ટીવીGoogle News
સત્તા સેવા બને તો રાષ્ટ્ર નિર્માણ થાય પરંતુ વારસામાં મળે તો લોકશાહીનો અંત, નામ લીધા વિના પીએમ મોદીના પ્રહાર

સંસદના ચાલુ બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અખિલેશ યાદવે પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગની ઘટનાથી લઇને ચીનના મુદ્દા સુધી ભાજપ અને સરકાર બન્નેને ઘેરી હતી. હવે PM મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપી રહ્યાં છે.

App Store

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આપણે 2025માં છીએ અને 21મી સદીનો એક ચતુર્થાંશ ભાગ વીતી ચૂક્યો છે. સમય નક્કી કરશે કે તેમાં શું થયું, કેવી રીતે થયું. જો આપણે રાષ્ટ્રપતિના સંબોધનને ઊંડાણથી સમજીએ તો એ સ્પષ્ટ નજરે આવે છે કે નવો વિશ્વાસ જગાવનારું અને જનસામાન્યથી પ્રેરિત કરનારું છે.'

'વિકસિત ભારત એ કોઈ સરકારનું નહીં દરેક નાગરિકનું સ્વપ્ન છે, આપણે 2047 સુધીમાં હાંસલ કરીશું', 

પીએમ મોદીએ કહ્યું કે, 'વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે દેશ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છે. આ કોઈ સરકારનું સ્વપ્ન નથી, દરેક નાગરિકનું સ્વપ્ન છે. વિશ્વના ઘણા દેશોએ 20-25 વર્ષમાં આ કર્યું છે. ભારતની સાથે ડેમોગ્રાફી છે. આપણે તે કેમ ન કરી શકીએ? અમે 2047 સુધી આ કરવાનું ચાલુ રાખીશું. આપણે હજુ પણ મોટા લક્ષ્યો હાંસલ કરવાના છે, અને અમે તે કરીને રહીશું. 

'બધા દેશવાસીઓને અપીલ કરું છું કે, દરેકની પોતાની વિચારધારા હશે, પણ દેશથી મોટું કંઈ નથી',

આ અમારી ત્રીજી ટર્મ છે. દેશની જરૂરિયાતો અનુસાર વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આપણે આવનારા ઘણા વર્ષો સુધી પ્રતિબદ્ધ રહીશું. હું બધા પક્ષોને, બધા નેતાઓને, બધા દેશવાસીઓને અપીલ કરું છું કે, દરેકની પોતાની વિચારધારા હશે, પણ દેશથી મોટું કંઈ નથી. દેશનો વિકાસ થશે, આપણા પછીની પેઢીઓ કહેશે કે 2025 માં એક સંસદ હતી, જ્યાં બેઠેલા દરેક સાંસદ વિકસિત ભારત માટે કામ કરી રહ્યા હતા.'

વિશ્વના દરેક ડાઈનિંગ ટેબલ પર ભારતનું ફુડ પેકેટ પહોંચે, એજ અમારો ઉદ્દેશ્ય : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે,'બાબા સાહેબનું વિઝન નદીઓને જોડવાનું હતું. અમે કેન બેતવા લિંક પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. આપણો ઉદ્દેશ્ય એ હોવો જોઈએ કે, ભારતના ફૂડ પેકેટ વિશ્વના દરેક ડાઇનિંગ ટેબલ સુધી પહોંચે. આપણો દેશ ઝડપથી શહેરીકરણ તરફ આગળ વધી રહ્યો છે અને આપણે આ દિશામાં ઝડપથી કામ કરવું જોઈએ. માળખાગત સુવિધાઓનો વિકાસ તકોનો વિસ્તાર કરે છે. જેમ જેમ કનેક્ટિવિટી વધે છે, તેમ તેમ તકો પણ વધે છે. 

અમે કલમ 370ની દિવાલ તોડી નાખી

દેશનું દુર્ભાગ્ય છે કે આજકાલ કેટલાક લોકો ખુલ્લેઆમ શહેરી નક્સલવાદની ભાષા બોલી રહ્યા છે. ઈન્ડિયન સ્ટેટ વિરુદ્ધ  લડાઈની ઘોષણા કરે છે તેઓ ભારતીય રાજ્ય કે દેશની એકતાને શું સમજી શકશે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ 7 દાયકાથી બંધારણીય અધિકારોથી વંચિત હતા. આ બંધારણ અને જમ્મુ કાશ્મીરના લોકો સાથે અન્યાય હતો. અમે કલમ 370ની દિવાલ તોડી નાખી. અને ત્યાંના લોકોને એ અધિકારો મળ્યા જે દેશવાસીઓનો અધિકાર છે. 

જો સત્તા વારસામાં મળે તો લોકશાહીનો અંત આવે 

જ્યારે સત્તા સેવા બને તો રાષ્ટ્ર નિર્માણ થાય છે. પરંતુ જો સત્તા વારસામાં મળે તો લોકશાહીનો અંત આવે છે. અમે ઝેરનું રાજકારણ નથી કરતા. અમે  રાષ્ટ્રની એકતાને ખૂબ મહત્વ આપતા સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવી છે. 

અમે ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપ્યો

કેટલાક લોકો માટે જાતિ વિશે વાત કરવી ફેશનેબલ બની ગઈ છે. છેલ્લા 30 વર્ષથી ગૃહમાં આવતા ઓબીસી સમુદાયના સાંસદો એક થઈને ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવાની માગ કરી રહ્યા હતા. આજે જે લોકો જાતિવાદમાં છે તેમને તે સમયે OBC યાદ નહોતા. અમે ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપ્યો. પછાત વર્ગ આયોગ આજે એક બંધારણીય વ્યવસ્થા બની ગયું છે.

સંસદમાં ગરીબોની વાત કંટાળાજનક જ લાગશે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'અમારી સરકારે નારા ન આપ્યા, ગરીબોની સાચી સેવા કરી. પાંચ-પાંચ દાયકા સુધી ખોટા નારા આપવામાં આવ્યા. તેને સમજવા માટે જુસ્સો જોઈએ. મોદીને ખુબ દુઃખ સાથે કહેવું પડે છે કે કેટલાક લોકો પાસે તે છે જ નહીં.' જે લોકો ગરીબોની ઝુંપડીમાં ફોટોસેશન કરાવી પોતાનું મનોરંજન કરતા રહે છે તેમને સંસદમાં ગરીબોની વાત કંટાળાજનક જ લાગશે. હું તેમનો ગુસ્સો સમજી શકુ છું.

10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા, લોકોની જેમ ઝૂંપડામાં ફોટોશેસન નથી કર્યુંઃ મોદી

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કેટલાક નેતાઓનું ધ્યાન તેમના ઘરના સ્ટાઇલિશ બાથરૂમ પર છે. અમારું દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા પર છે. ૧6 કરોડ લોકોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું. અમારું ધ્યાન ગરીબો માટે ઘરો બનાવવા પર છે. ગરીબોની ઝૂંપડીઓમાં ફોટો સેશન કરાવનારાઓને ગરીબો વિશેની વાત કંટાળાજનક લાગશે. અમારો પ્રયાસ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે અને અમે સમર્પણ સાથે પ્રયાસ કરીએ છીએ.

 40 કરોડ રૂપિયા સીધા લોકોના ખાતામાં જમા કરાવ્યા

આપણા દેશમાં એક વખત વડાપ્રધાન હતા, તેમને મિસ્ટર ક્લીન કહેવાની ફેશન બની ગઈ હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે દિલ્હીમાંથી એક રૂપિયો નીકળે છે, ત્યારે ગામડાઓમાં ફક્ત 15 પૈસા જ પહોંચે છે. એ સમયે તો સંસદમાં પણ એક જ પક્ષનું શાસન હતું. આ વાત તેમણે જાહેરમાં કહી હતી. આ અદ્ભુત હાથચાલાકી હતી. દેશે અમને તક આપી અને અમે સમાધાનનો પ્રયાસ કર્યો. અમારું મોડેલ બચત તેમજ વિકાસનું છે. અમે જન ધન, આધારની ટ્રિનિટી બનાવી અને DBT દ્વારા આપવાનું શરૂ કર્યું. અમારા કાર્યકાળમાં 40 કરોડ રૂપિયા સીધા લોકોના ખાતામાં જમા કરવામાં આવ્યા. 

સરકારી કચેરીનો ભંગાર વેચીને 2,300 કરોડ જમા કરાવ્યા

પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં જન્મેલા પણ ન હોય તેવા ૧૦ કરોડ લોકો વિવિધ યોજનાઓનો લાભ લેતા હતા તેને દૂર કર્યા. વાસ્તવિક લાભાર્થી સુધી પહોંચતા ૩ લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચી ગયા. સરકારી ખરીદી JAM પોર્ટલ દ્વારા કરાતા સરકારે 1 લાખ 15 હજાર કરોડ રૂપિયા બચાવ્યા હતા. અમારા સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવવામાં આવી. પરંતુ સરકારી કચેરીઓમાંથી જે ભંગાર વેચ્યો તેનાથી ૨,૩૦૦ કરોડ રૂપિયા મળ્યા. મહાત્મા ગાંધી ટ્રસ્ટી કહેતા હતા. લોકોની સંપત્તિ છે તેની પાઈ પાઈનો સદુપયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ.

 ઇથેનોલ બ્લેન્ડિંગ થકી 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના હાથમાં જશે

પીએમ મોદીએ કહ્યું કે, ઇથેનોલ બ્લેન્ડિંગ થકી 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના હાથમાં જશે. આમાં કોઈ કૌભાંડ ન થવાથી લાખો કરોડ રૂપિયાની બચત થશે. અમે લાખો કરોડ રૂપિયાનો ઉપયોગ શીશ મહેલ બનાવવા માટે નહીં પરંતુ દેશ માટે કર્યો છે. અમે સત્તામાં આવ્યા પહેલાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ રૂ. ૧.૮ લાખ કરોડ હતું. આજે તે ૧૧ લાખ કરોડ રૂપિયા પહોંચ્યું એટલે જ તો રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભારતનો પાયો કેવી રીતે મજબૂત થઈ રહ્યો છે. રોડ રસ્તાઓ, હાઇવે, રેલ્વે અને ગામડાના રસ્તાઓ માટે વિકાસનો મજબૂત પાયો નખાયો છે. 

આયુષ્યમાન ભારત થકી 1.20 લાખ કરોડ બચાવ્યા

સરકારી તિજોરીની બચત કરવા સાથે લોકોને તેનો લાભ મળે તે કર્યું છે. આયુષ્માન ભારત યોજનાનો લાભ લેનારા લોકોના અમે 1 લાખ 20 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે. અમે જન ઔષધિ કેન્દ્રો ખોલીને લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવી છે. લોકોએ દવાઓ લઈને લગભગ 30 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે. યુનિસેફનો એવો પણ અંદાજ છે કે જેના ઘરમાં શૌચાલય બન્યું તે પરિવારને લગભગ 70,000 રૂપિયાની બચત થઈ છે.

પીએમ મોદીએ કહ્યું કે WHO કહે છે કે નળમાંથી શુદ્ધ પાણીની ઉપલબ્ધતાને કારણે, પ્રતિ પરિવાર સરેરાશ 40,000 રૂપિયાની બચત થઈ છે. અમે આવી અનેક યોજનાઓ લાવ્યા છીએ. મફત અનાજ થકી કરોડો દેશવાસીઓના પરિવારોને હજારો રૂપિયાની બચત થઈ છે. સૂર્યઘર મફત વીજળી યોજના દ્વારા પરિવારો દર વર્ષે 25,000 થી 30,000 રૂપિયા બચાવી રહ્યા છે અને વધારાની વીજળી વેચીને વધારાના પૈસા કમાઈ રહ્યા છે. અમે LED બલ્બ માટે એક ઝુંબેશ ચલાવી. તો 400 રૂપિયામાં વેચાતો બલ્બ 40 રૂપિયામાં વેચાતો થયો. વીજળી બિલમાં પણ હજારો કરોડ રૂપિયાની બચત થઈ છે.
 
2014 પહેલા, ફક્ત 2 લાખ રૂપિયા પર જ આવકવેરામાંથી મુક્તિ હતી. અમે ૧૨ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી છે. ૧ એપ્રિલ પછી, દેશના પગારદાર લોકોને ૧૨.૫0 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

૨૧મી સદી ટેકનોલોજી આધારિત સદી છે - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે,એક પ્રધાનમંત્રીએ એકવીસમી સદી એવું રટણ કરતા હતા. આરકે લક્ષ્મણે એક કાર્ટૂન બનાવ્યું હતું જેમાં એક વિમાન હતું, એક પાઇલટ હતો અને તેમણે 21મી સદી લખ્યું હતું. આ વિમાન એક લારી ઉપર મૂકવામાં આવ્યું હતું અને મજૂરો તેને ધક્કો મારતા હતા. તે સમયે 21મી સદીની વાતો થતી પરંતુ 20મી સદીની જરૂરિયાતોને પણ પૂરી ના કરી શક્યા. આજે મને આ વિચારું છું ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. આપણે ૪૦-૫૦ વર્ષ મોડા છીએ. અમે યુવાનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી તેમની આકાંક્ષાઓ પર ભાર મૂક્યો. યુવાનો માટે વધુ તકો ઊભી કરવા ઘણા ક્ષેત્રો ખોલ્યા. આજે યુવાનો પોતાની શક્તિનો પરચમ બતાવી રહ્યા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સમગ્ર ઇકોસિસ્ટમનો વિકાસાવી. બજેટમાં ૧૨ લાખ રૂપિયાની આવકવેરામાં માફી એટલી મોટી ખબર બની ગઈ કે પરમાણુ ઉર્જા ક્ષેત્ર ખોલવાના નિર્ણય પર કોઈએ ધ્યાન આપ્યું જ નહીં. 

આપણા માટે કોઈ સિંગલ એઆઈ નથી, ડબલ એઆઈ

AI, 3D પ્રિન્ટિંગ, રોબોટિક્સ, અમે ગેમિંગ ક્રિએશન પણ અજમાવી રહ્યા છીએ. એક AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અને બીજું AI એસ્પિરેશનલ ઇન્ડિયા છે. બજેટમાં ૫૦ હજાર નવી ટિંકરિંગ લેબ માટે જોગવાઈ કરવામાં આવી છે. ભારતે વિશ્વના AI પ્લેટફોર્મમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમે ડીપ ટેકના ક્ષેત્રમાં રોકાણ કરવા વિશે વાત કરી છે. ૨૧મી સદી એ સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત સદી છે. આ પરિસ્થિતિમાં આ ક્ષેત્રે ઝડપથી આગળ વધવું જરૂરી છે.  અમે યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સતત કામ કરી રહ્યા છીએ.

 અમે બંધારણને જીવતા શીખ્યા છીએ

પીએમ મોદીએ કહ્યું કે બંધારણમાં જે કલમો છે તેની એક ભાવના હોય છે. બંધારણને મજબૂત બનાવવા માટે, બંધારણની ભાવનાને જીવવી પડે. અમે બંધારણનું પાલન કરનારા છીએ. આપણી પરંપરા છે કે રાષ્ટ્રપતિના સંબોધનમાં જે તે સરકારના તે વર્ષના કાર્યકાળની વિગતો હોય છે. રાજ્યપાલના સંબોધનમાં રાજ્યની વાત હોય છે. ગુજરાતની સુવર્ણ જયંતિ અવસરે છેલ્લા 50 વર્ષમાં રાજ્યપાલ દ્વારા ગૃહમાં આપવામાં આવેલા તમામ સંબોધનોને એક પુસ્તક રૂપે તૈયાર કર્યું. જે આજે તમામ પુસ્તકાલયોમાં ઉપલબ્ધ છે. હું ભાજપનો હતો, ગુજરાતમાં મોટાભાગે કોંગ્રેસની સરકારો હતી છતાં તેને પ્રસિદ્ધ કરવાનું કામ ભાજપના મુખ્યમંત્રી કરતા હતા. કારણ કે અમે બંધારણને જીવતા શીખ્યા છીએ. 

વિપક્ષ ન હોવા છતાં અમે ખેલદિલિ બતાવી

વર્ષ 2014માં અમે કેન્દ્રમાં આવ્યા ત્યારે માન્ય વિપક્ષ નહોતો. અનેક કાયદાઓ હતા કે અમને સંપૂર્ણ સ્વતંત્રતા મળી હતી કામ કરવાની. અનેક કમિટિઓમાં વિપક્ષ નેતાની વાત હતી. કોઈ વિપક્ષ નહોતો છતાં અમે ખેલદિલી બતાવી કે ભલે માન્ય વિપક્ષ ના હોય છતાં સૌથી મોટા દળના નેતાને તે મિટિંગમાં બોલાવી છું. આ બંધારણની ખેલદિલી છે. અમે એક કાયદો બનાવ્યો છે કે જો ચૂંટણી પંચની રચના થાય તો વિપક્ષના નેતા પણ તેનો હિસ્સો હશે. 

'પ્રદૂષણ ઘટાડવા માટે પણ ઘણી પહેલ કરવામાં આવી છે'

નમો ભારત ટ્રેનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશના દરેક ક્ષેત્રને આવી કનેક્ટિવિટી પૂરી પાડવાનો અમારો ઉદ્દેશ્ય હોવો જોઈએ. દિલ્હીમાં મેટ્રો નેટવર્ક બમણું થયું છે. આજે મેટ્રો નેટવર્ક દેશના બીજા સ્તરના શહેરો સુધી પણ પહોંચી ગયું છે. પ્રદૂષણ ઘટાડવા માટે પણ ઘણી પહેલ કરવામાં આવી છે. અમે દેશભરમાં અને દિલ્હીમાં પણ 12 હજાર ઇલેક્ટ્રિક બસો પૂરી પાડી છે. આજે મોટા શહેરોમાં ગિગ ઇકોનોમી વિકસી રહી છે, લાખો યુવાનો જોડાઈ રહ્યા છે. અમે બજેટમાં કહ્યું છે કે ગિગ વર્કર્સે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવી જોઈએ અને આઈડી કાર્ડ મેળવવા જોઈએ; તેમને આયુષ્માન યોજનાનો લાભ પણ આપવામાં આવશે. એવો અંદાજ છે કે આજે દેશમાં એક કરોડ ગિગ વર્કર્સ છે. અમે પણ તે દિશામાં કામ કરી રહ્યા છીએ. 

MSME ક્ષેત્ર મોટી સંખ્યામાં રોજગારીની તકો લઈને આવી રહી છે. આ નાના ઉદ્યોગો આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે. આ ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં મોટો ફાળો આપી રહ્યું છે. અમારી નીતિ સ્પષ્ટ છે. આ ક્ષેત્રને સુવિધા, સહાય અને સમર્થન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને અમે મિશન મેન્યુફેક્ચરિંગ વિશે વાત કરી છે. આપણે સમગ્ર ઇકોસિસ્ટમને મજબૂત બનાવીને આગળ વધી રહ્યા છીએ. ઘણા પાસાઓ પર કામ શરૂ થઈ ગયું છે. આ માપદંડ 2006 માં બનાવવામાં આવ્યા હતા અને તેમાં સુધારો કરવામાં આવ્યો નથી. અમે બે વાર સુધારો કરવાનો પ્રયાસ કર્યો અને હવે અમે મોટો ઉછાળો કર્યો છે. તેમને દરેક જગ્યાએ આર્થિક મદદ આપવામાં આવી રહી છે. MSMEs સામેનો પડકાર ઔપચારિક નાણાકીય સંસાધનોનો રહ્યો છે. અમે કાપડ ઉદ્યોગ સહિત કોઈપણ ઉદ્યોગને રોકડ પ્રવાહની અછતનો સામનો કરવા દીધો નથી. હજારો નોકરીઓ બચી ગઈ. નાના રમકડાં બનાવતા ઉદ્યોગો નિકાસ કરી રહ્યા છે. આયાતમાં ઘટાડો થયો છે.

 

કેટલાક લોકોને લાગે છે કે જો આપણે વિદેશ નીતિની ચર્ચા નહીં કરીએ તો આપણે પરિપક્વ દેખાઈશું નહીં. ભલે તેનાથી દેશને નુકસાન થાય. જો તમને ખરેખર રસ હોય તો ચોક્કસ એક પુસ્તક વાંચજો. આ પુસ્તકમાં જોન એફ કેનેડી અને પંડિત નેહરુ વચ્ચેની વાતચીતનો વિગતવાર ઉલ્લેખ છે. જ્યારે દેશ પડકારોનો સામનો કરી રહ્યો હતો, ત્યારે વિદેશ નીતિના નામે શું રમત ચાલી રહી હતી તે હવે આ પુસ્તક દ્વારા પ્રકાશમાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિના સંબોધન પછી, જો કોઈ મહિલા રાષ્ટ્રપતિ, ગરીબ પરિવારની દીકરીનું સન્માન ન કરી શક્યા, તમારી મરજી. પરંતુ કેવી કેવી વાતો કરીને તેમને અપમાનિત કરવામાં આવે છે. રાજનીતિ, હતાશા, નિરાશા સમજી શકું છું. આજે ભારત આ પ્રકારની વિકૃત માનસિકતાને છોડીને મહિલા નેતૃત્વ હેઠળના વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે. જો અડધી વસ્તીને સંપૂર્ણ તક મળે, તો ભારત બમણી ગતિએ પ્રગતિ કરી શકે છે. સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓનું સશક્તિકરણ વધ્યું છે, અમે તેમની મદદ વધારી છે અને આની ગ્રામીણ અર્થતંત્ર પર સકારાત્મક અસર પડી છે. ત્રીજી વખત અમારી સરકાર બન્યા બાદ 50 લાખથી વધુ લખપતિ દીદીઓ વિશે માહિતી અમારા સુધી પહોંચી છે. અત્યાર સુધીમાં ૧.૨૫ કરોડ મહિલાઓ લખપતિ દીદી ચૂકી છે. અમે ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવીશું.