'PM કોમ્પ્રોમાઈઝ્ડ'... રાહુલ ગાંધીના નિવેદનથી ભડક્યા રવિશંકર પ્રસાદ, આપ્યો સણસણતો જવાબ

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદે એક દિવસ પહેલા ગૃહમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ બાબતે ચર્ચા માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. કોંગ્રેસ વતી તરુણ ગોગોઈએ એક દિવસ પહેલા ચર્ચા શરૂ કરી હતી. આજે ચર્ચાના બીજા દિવસે ભાજપ વતી સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ચર્ચા શરૂ કરી હતી. આજે ગૃહમંત્રી અમિત શાહ આ પ્રસ્તાવ પર બોલી શકે છે.
સંસદમાં બોલતા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અહીં ચર્ચા લોકશાહી પ્રક્રિયા અને સ્પીકરની ભૂમિકા વિશે છે. ઘણી વખત, મારું નામ ઉઠાવવામાં આવ્યું છે, અને મારા વિશે અવિનયી વાતો કહેવામાં આવી છે. આ ગૃહ ભારતના લોકોની અભિવ્યક્તિ છે. તે કોઈ એક પક્ષનું નહીં, પરંતુ આખા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. અમે જ્યારે પણ બોલવા માટે ઉભા થઈએ ત્યારે અમને બોલતા અટકાવવામાં આવે છે. પહેલી વાર વિરોધ પક્ષના નેતાને બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. છેલ્લી વખત જ્યારે હું બોલ્યો હતો, ત્યારે મેં આપણા પીએમ દ્વારા કરવામાં આવેલા સમાધાનો વિશે એક મૂળભૂત પ્રશ્ન ઉઠાવ્યો હતો...
રાહુલ ગાંધીના આ નિવેદન બાત તુરંત રવિશંકર પ્રસાદે સામે સ્પષ્ટપણે જવાબ આપ્યો, "ક્યારેય નહીં... ક્યારેય નહીં... ક્યારેય નહીં. પીએમ મોદીનું ભારત સાથે ક્યારેય સમાધાનકારી નહીં હોય. રવિશંકર પ્રસાદે કહ્યું કે, તેમની પાસે મૂળભૂત સામાન્ય સમજનો પણ અભાવ છે. પ્રસાદે કહ્યું કે, સ્પીકરની ખુરશીને વારંવાર ઘેરી લેવામાં આવી, તેમના પર કાગળો ફેંકવામાં આવ્યા... પરંતુ તેઓ હસતા રહ્યા.
લોકસભાની અધ્યક્ષતા મુદ્દે રવિશંકર પ્રસાદે બતાવ્યા નિયમો
લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાનો પ્રસ્તાવ મુદ્દે ચર્ચા કરતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, વારંવાર કહેવામાં આવ્યું છે કે તેમને કોણે ચૂંટ્યા. બંધારણના અનુચ્છેદ 93, 94, 95 અને 96 સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની નિમણૂક બાબતે છે. જે મુજબ નિમણૂંક કરવામાં આવે છે. તેઓ રાજીનામું આપી શકે છે અને તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય છે. બંધારણ સભામાં ચર્ચા થઈ અને એવું કહેવાયું હતું કે, તેમને દૂર કરવા માટે એક પ્રક્રિયા હોવી જોઈએ. બંધારણની કલમ 96 જણાવે છે કે, જો અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો તેઓ અધ્યક્ષતા કરશે નહીં. બંધારણની કલમ 95માં જોગવાઈ છે કે અધ્યક્ષતા માટે ચૂંટાયેલા લોકો પ્રક્રિયા મુજબ આમ કરશે. તેઓ પણ ના હોય તો ગૃહ નક્કી કરશે.

