VIDEO : સંસદ સત્રમાં આ બે પ્રસ્તાવ પાસ થયા તો બદલાઈ જશે લોકસભાની સંપૂર્ણ તસવીર
ભારતીય સંસદના ઈતિહાસમાં અને દેશના રાજકારણમાં સૌથી મોટો ફેરફાર થવાનો છે. લોકસભા ચૂંટણી-2029 પહેલા લોકસભામાં બેઠકો વધારવા અને 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવા પ્રસ્તાવ લવાયો છે. રિપોર્ટ મુજબ હાલ ચાલી રહેલા સંસદના સત્રમાં બે પ્રસ્તાવ લવાયા છે. જો યોજના મુજબ પ્રસ્તાવ પસાર થઈ જશે તો લોકસભાની સંપૂર્ણ તસવીર બદલાઈ જશે.
2029 પહેલા મહિલાઓને 33 ટકા અનામત આપવાની યોજના
સરકાર મહિલા અનામત લાગુ કરીને વર્તમાન શરતોમાં ફેરફાર કરવા ઈચ્છે છે. વર્તમાન કાયદા મુજબ, નવી વસ્તીગણતરી અને નવાં સીમાંકનની કામગીરી પૂર્ણ થયા બાદ જ અનામત લાગુ કરવાની વાત હતી, જોકે મહિલાઓને 2029 પહેલા 33 ટકા અનામત મળી જાય તે માટે 2011ની વસ્તીગણતરીના આધારે પ્રસ્તાવ પ્રક્રિયા પુરી કરવાની યોજના ચાલી રહી છે. પ્રસ્તાવ મુજબ લોકસભામાં હાલ 543 બેઠકો છે, જે વધારીને 816 કરવામાં આવી શકે છે, આમાંથી 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, સંસદમાં મહિલાઓની ભાગીદારી એકઝાટકે વધી જશે.
આ બે બિલ લાવવાની તૈયારી
સંસદમાં બે જુદા જુદા બિલ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. સરકારે ‘નારી શક્તિ વંદના અધિનિયમ’ અને ‘સીમાંકન’ કાયદામાં ફેરફાર કરીને બિલ લાવવાની યોજના બનાવી છે. બંને બિલ પાસ કરાવવા માટે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મળવી જરૂરી છે, તેથી સરકાર વિપક્ષનું સમર્થન મેળવવામાં લાગી ગઈ છે. આ બંને બિલ માટે YRS કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, NSPSP, RJD અને AIMIM જેવા પક્ષો સાથે વાતચીત શરૂ કરી દેવાઈ છે. રિપોર્ટ મુજબ BJP અને શિવસેના યુબીટી સાથે ચર્ચા થઈ ગઈ છે, જ્યારે કોંગ્રેસ સાથે વાતચીત કરવાની બાકી છે.
અનામત સિસ્ટમ રાજ્યની વિધાનસભામાં પણ લાગુ કરવાની યોજના
પ્રસ્તાવ મુજબ ૨૭૩ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગની મહિલાઓને તેમના નિર્ધારિત ક્વોટાની અંદર જ હિસ્સો મળશે. જોકે ઓબીસી (OBC) મહિલાઓ માટે અત્યારે અલગથી કોઈ જોગવાઈ સામેલ કરવામાં આવી નથી. આ જ મોડેલ રાજ્યોની વિધાનસભાઓમાં પણ લાગુ કરવાની યોજના છે.
મહિલા અનામત બિલ 2023માં લાગુ થયું હતું
મહિલા અનામત બિલ એટલે કે, નારી શક્તિ વંદન અધિનિય 20 સપ્ટેમ્બર-2023માં લોકસભામાં અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પાસ થયું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેને મંજૂરી આપી દીધી હતી. જોકે આ કાયદો કંઈ તારીખથી લાગુ કરવાનો છે, તેનો હજુ સુધી નક્કી કરાયું નથી. કેન્દ્ર સરકાર નોટિફિકેટ દ્વારા આ કાયદો લાગુ કરશે અને જરૂર પડશે તો તેમાં ફેરફાર પણ કરી શકે છે.

