VIDEO: પતંજલિના ઘીને નકલી કહેવું પડ્યું ભારે, બ્રિજભૂષણ શરણ સિંહ સામે ₹50 કરોડની માનહાનિનો કેસ
ભાજપના પૂર્વ સાંસદ અને ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે પતંજલિ ફૂડ્સ લિમિટેડે ₹50 કરોડની માનહાનિનો દાવો દાખલ કર્યો છે. આ મામલો પતંજલિના ઘી અંગે બ્રિજભૂષણ શરણ સિંહ દ્વારા કરવામાં આવેલા જાહેર નિવેદન સાથે જોડાયેલો છે. કંપનીનો આરોપ છે કે તેમના નિવેદનોથી તેની (Brand Image) અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. આ કેસ હવે મધ્યપ્રદેશ હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે.
ઘીને ‘નકલી’ ગણાવ્યું હોવાનો મામલો
અહેવાલ મુજબ, વર્ષ 2022માં બ્રિજભૂષણ શરણ સિંહે જાહેર મંચ પરથી પતંજલિના ઘી અંગે સવાલ ઉઠાવ્યા હતા અને તેને ‘નકલી’ ગણાવ્યું હતું. તેમણે લોકોને ઘરે ગાય અથવા ભેંસ રાખવાની અપીલ પણ કરી હતી. ત્યારથી પતંજલિ અને બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચે આ મુદ્દે નિવેદનબાજી થતી રહી છે.
કંપનીનું કહેવું છે કે આ પ્રકારના નિવેદનો જાહેરમાં પ્રસારિત થયા હોવાથી ગ્રાહકોમાં તેના ઉત્પાદનો અંગે ગેરસમજ ઊભી થઈ અને કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થયું.
પતંજલિએ ₹50 કરોડનો દાવો કેમ કર્યો?
પતંજલિ ફૂડ્સ તરફથી કેસની દલીલો રજૂ કરી રહેલા વકીલના જણાવ્યા મુજબ, બ્રિજભૂષણના નિવેદનોથી કંપનીની (Brand Reputation) પર અસર પડી હતી. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે નિવેદન બાદ તેના (Share Price) પર અસર જોવા મળી અને આર્થિક નુકસાન થયું.
આ આધારે પતંજલિ ફૂડ્સે શરૂઆતમાં જિલ્લા કોર્ટમાં ₹50 કરોડની માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. કંપનીનો દાવો છે કે જાહેરમાં કરવામાં આવેલા આક્ષેપોને કારણે તેના ઉત્પાદનોની વિશ્વસનીયતા અને વ્યવસાયિક હિતોને નુકસાન પહોંચ્યું.
પતંજલિના ઘીને નકલી કહેવું પડ્યું ભારે, બ્રિજભૂષણ શરણ સિંહ સામે ₹50 કરોડની માનહાનિનો કેસ
આ કેસની શરૂઆત જિલ્લા કોર્ટથી થઈ હતી. ત્યારબાદ મામલો મધ્યપ્રદેશ હાઈકોર્ટ સુધી પહોંચ્યો. 15 સપ્ટેમ્બર 2026ના રોજ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બ્રિજભૂષણ શરણ સિંહ તરફથી તેમના વકીલ હાજર રહ્યા હતા અને જવાબ દાખલ કરવા માટે વધુ સમય માગ્યો હતો. કોર્ટે આ વિનંતી સ્વીકારીને આગામી સુનાવણી માટે 18 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે.
કેસની કાર્યવાહી દરમિયાન (Electronic Evidence) અંગે પણ ચર્ચા થઈ છે. પતંજલિ તરફથી આ સંબંધિત દસ્તાવેજો અને અગાઉના અદાલતી આદેશોનો હવાલો આપવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
પતંજલિ અને બ્રિજભૂષણ વચ્ચે જૂનો વિવાદ
બ્રિજભૂષણ શરણ સિંહ અને પતંજલિ સાથે જોડાયેલો વિવાદ નવો નથી. 2022થી જ પતંજલિના ઉત્પાદનો અને ખાસ કરીને ઘીને લઈને તેમના નિવેદનો ચર્ચામાં રહ્યા છે. ઓગસ્ટ 2026માં પણ તેમણે પતંજલિના ઉત્પાદનો અને દેશમાં મળતા કથિત ભેળસેળવાળા ઘી અંગે બાબા રામદેવ પર સવાલ ઉઠાવ્યા હતા.
હવે આ જૂનો વિવાદ કાનૂની લડાઈમાં ફેરવાયો છે. પતંજલિ ફૂડ્સે ₹50 કરોડની માનહાનિનો દાવો કર્યો છે, જ્યારે બ્રિજભૂષણ શરણ સિંહને આ કેસમાં પોતાનો જવાબ રજૂ કરવાનો છે. આગામી 18 સપ્ટેમ્બરની સુનાવણીમાં મામલો કઈ દિશામાં આગળ વધે છે તેના પર નજર રહેશે.

