મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પાકિસ્તાનનો ઈતિહાસ જ ગેરકાયદે પ્રવૃત્તિઓથી ભરેલો, ટ્રમ્પના પરમાણુ પરીક્ષણના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર ગુપ

પાકિસ્તાનનો ઈતિહાસ જ ગેરકાયદે પ્રવૃત્તિઓથી ભરેલો, ટ્રમ્પના પરમાણુ પરીક્ષણના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર ગુપ્ત પરમાણુ પરીક્ષણો કરવાના કરેલા ચોંકાવનારા દાવાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચ્યો છે. ટ્રમ્પે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, રશિયા-ચીન-ઉત્તર કોરિયાની સાથે પાકિસ્તાન પણ ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. હવે આ મામલે ભારતે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે.

પાકિસ્તાનનો ઈતિહાસ જ ગેરકાયદે : ભારત

વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનનો ઈતિહાસ જ ગેરકાયદે અને છૂપી પરમાણુ પ્રવૃત્તિઓથી ભરેલો રહ્યો છે અને ભારત આ અંગે હંમેશા વિશ્વને ચેતવતું રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘તસ્કરી કરવી, નિકાસ નિયંત્રણનું ઉલ્લંઘન કરવું, ગુપ્ત મદદો કરવી અને પરમાણુ પ્રસાર કરવો એ પાકિસ્તાનની દાયકાઓ જૂની પ્રવૃત્તિ છે. ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન પાકિસ્તાનની આ કરતૂતો તરફ દોરતું રહ્યું છે. આ સંદર્ભમાં ભારતે ટ્રમ્પના નિવેદનને નોંધમાં લીધું છે.’

ટ્રમ્પે શું દાવો કર્યો હતો?

2 નવેમ્બરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, રશિયા, ચીન અને પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે, જ્યારે અમેરિકા આ ક્ષેત્રમાં પાછળ છે. જોકે, તેમણે કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા ન હતા, પરંતુ તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે, પાકિસ્તાને એપ્રિલ-મે 2025 ની વચ્ચે ગુપ્ત પરીક્ષણ કર્યું હશે. આ પરીક્ષણના કારણે જ અફઘાનિસ્તાન-પાકિસ્તાન ક્ષેત્રમાં સતત મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હોવાની પણ ચર્ચા છે.

ભૂકંપ અને જૂના પરીક્ષણો સાથે સરખામણી

30 એપ્રિલથી 12 મે વચ્ચે 4.0થી 4.7ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા, તેની તુલના 1998ના ચાગાઈ-1 અને ચાગાઈ-2 પરમાણુ પરીક્ષણો સાથે કરવામાં આવી છે. જોકે પાકિસ્તાને પરીક્ષણ કર્યા હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. પાકિસ્તાને કહ્યું છે કે, તે પહેલું પરીક્ષણ કરનાર દેશ નહોતો અને ન આગળ આવું નહીં કરે. પાકિસ્તાને છેલ્લે 1998માં પરમાણુ પરીક્ષણો કર્યા હતા. તેણે ભારતના પોખરણ-2 પરીક્ષણના જવાબમાં પરીક્ષણ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી પાકિસ્તાને સત્તાવાર રીતે કોઈ પરમાણુ પરીક્ષણ કર્યું નથી.

રાજનાથ સિંહનો અમેરિકા-પાકિસ્તાનને જડબાતોડ જવાબ

પાકિસ્તાનના ગુપ્ત પરમાણુ પરીક્ષણો અંગેના ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ વચ્ચે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારત પર કોઈ દબાણ લાવી શકાય નહીં. અમેરિકા કે પાકિસ્તાન શું કરી રહ્યા છે તેનાથી ભારતની નીતિ બદલાશે નહીં. ભારત તેની સુરક્ષા અને પરમાણુ નીતિ અંગેના નિર્ણયો પોતાના હિતોના આધારે અને યોગ્ય સમયે જ લેશે.’

આ સમાચાર શેર કરો