Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Opposition MPs, including Rahul-Priyanka, free after detention

અટકાયત બાદ રાહુલ-પ્રિયંકા સહિત વિપક્ષી સાંસદો મુક્ત, આંદોલન ચાલુ રાખવાની જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
અટકાયત બાદ રાહુલ-પ્રિયંકા સહિત વિપક્ષી સાંસદો મુક્ત, આંદોલન ચાલુ રાખવાની જાહેરાત
સોર્સ : gstv

દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષી ગઠબંધન INDIA બ્લોકનું વિરોધ પ્રદર્શન હાઇવોલ્ટેજ ડ્રામામાં ફેરવાઈ ગયું હતું. જંતર-મંતર જવા નીકળેલી વિપક્ષી સાંસદોની કૂચને પોલીસે અધવચ્ચે રોકી દેતાં જોરદાર ઘર્ષણ થયું હતું. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના અગ્રણી નેતાઓની પોલીસે બળપ્રયોગ કરીને અટકાયત કરી લીધી હતી. પ્રિયંકા ગાંધીએ મહિલા પોલીસકર્મીઓ પર નખ મારવાનો અને જમીન પર પટકી દેવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને વિરોધમાં રસ્તા પર સૂઈ ગયા હતા. જોકે, આશરે 2 કલાક સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય વિપક્ષી સાંસદોને મુક્ત કરી દીધા છે.

App Store

પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પણ પોલીસે મુક્ત કર્યા

છત્રસાલ સ્ટેડિયમમાં રાખવામાં આવેલા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા, તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રા સહિતના તમામ વિપક્ષી નેતાઓ અને સાંસદોને દિલ્હી પોલીસે આશરે 2 કલાકની અટકાયત બાદ મુક્ત કરી દીધા છે. કોંગ્રેસે આ પોલીસ કાર્યવાહીને લોકશાહી અને બંધારણનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો, જ્યારે ભાજપે વિપક્ષ પર અરાજકતા ફેલાવવાનો વળતો આક્ષેપ કર્યો હતો.

પ્રિયંકા ગાંધી અને મહુઆ મોઇત્રા સહિતના સાંસદોને છત્રસાલ સ્ટેડિયમ રખાયા હતા

જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કસ્ટડીમાં લીધેલા INDIA બ્લોકના નેતાઓ અને સાંસદોને દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યા હતા. આ અસ્થાયી અટકાયત કેન્દ્રમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને TMC સાંસદ મહુઆ મોઇત્રા સહિતના અનેક વિપક્ષી નેતાઓ હાજર હતા.

રાહુલ ગાંધીને બારાખંભા પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાયા

લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીને બારાખંભા પોલીસ સ્ટેશનના બીજા દરવાજેથી બહાર કાઢવામાં આવ્યા હતા. મુખ્ય દરવાજા પર કાર્યકરોની ભારે ભીડ, સૂત્રોચ્ચાર અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી સુરક્ષાના કારણોસર તેમને બીજા ગેટથી રવાના કરાયા હતા. તેમની સાથે માત્ર પર્સનલ સિક્યોરિટી ગાર્ડ્સ જ હાજર હતા અને દિલ્હી પોલીસના જવાનો ન હોવાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે પોલીસે તેમને કસ્ટડીમાંથી મુક્ત કરી દીધા છે, ત્યારબાદ તેમનો કાફલો ત્યાંથી રવાના થઈ ગયો હતો.

રાહુલ ગાંધીને બારાખંભા પોલીસ સ્ટેશને લવાયા, કેરળના મુખ્યમંત્રી પણ હાજર

દિલ્હી પોલીસ દ્વારા ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાહુલ ગાંધીને બારાખંભા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્યાં પોલીસનો કડક પહેરો ગોઠવી દેવાયો હતો અને કેરળના મુખ્યમંત્રી પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.

અટકાયત બાદ પણ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પર વિપક્ષ મક્કમ

પોલીસ દ્વારા વિપક્ષી નેતાઓની અટકાયત કરી લેવા છતાં INDIA બ્લોકનો આક્રોશ યથાવત્ છે. ચૂંટણી પંચ સામે મોરચો માંડીને બેઠેલા સાંસદોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્ઞાનેશ કુમાર જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ વિરોધ આંદોલન અટકશે નહીં.