'વન નેશન વન ઇલેક્શન' બિલને કેબિનેટની મંજૂરી, ટૂંક સમયમાં સંસદમાં થશે રજૂ

'વન નેશન વન ઇલેક્શન' બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવી શકે છે. 'વન નેશન વન ઈલેક્શન' બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બિલ આ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. મોદી સરકાર આ બિલને લઈને સતત સક્રિય છે. સરકારે સપ્ટેમ્બર 2023માં આ મહત્ત્વકાંક્ષી યોજના પર આગળ વધવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી.
રામનાથ કોવિંદ સમિતિએ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા માર્ચમાં સરકારને પોતાની ભલામણો સુપરત કરી હતી. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા સમિતિની ભલામણોને સ્વીકારી હતી. રિપોર્ટમાં બે તબક્કામાં ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી છે. સમિતિએ પ્રથમ તબક્કા હેઠળ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાની ભલામણ કરી છે. જ્યારે બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવાની ભલામણ કરવામાં આવી છે.
'વન નેશન, વન ઇલેક્શ'ન એ એક પ્રસ્તાવ છે જે અંતર્ગત ભારતમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની વાત કરવામાં આવી છે. ભાજપના મેનિફેસ્ટોના કેટલાક મહત્ત્વના લક્ષ્યાંકોમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકસાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ રાખવાનું કારણ એ છે કે તેનાથી ચૂંટણીમાં થતા ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.
હકીકતમાં, 1951 અને 1967 ની વચ્ચે, દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી અને લોકો એક જ સમયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને મત આપતા હતા. બાદમાં, દેશના કેટલાક જૂના પ્રદેશોની પુનઃરચના સાથે, ઘણા નવા રાજ્યોની સ્થાપના પણ કરવામાં આવી. આ કારણે 1968-69માં આ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી તેને ફરી શરૂ કરવાના વિચારો ચાલી રહ્યા છે.

