હવે મળશે 'ડિજિટલ વારસદાર'નો અધિકાર, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો નિયમ

જીવનમાં અણધારી ઘટનાઓ ગમે ત્યારે બની શકે છે અને આવી સ્થિતિમાં પરિવાર પર માત્ર માનસિક જ નહીં, પરંતુ સંપત્તિના વ્યવસ્થાપનનો પણ મોટો બોજ આવી પડે છે. આજના ડિજિટલ યુગમાં હવે માત્ર જમીન કે સોના-ચાંદીની જ નહીં, પરંતુ 'ડિજિટલ વસીયત' એટલે કે ઇનહેરિટન્સ પ્લાનિંગની પણ એટલી જ જરૂરિયાત ઊભી થઈ છે.
ડિજિટલ એસેટ્સમાં શું-શું સામેલ છે?
ડિજિટલ એસેટ્સમાં ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ, ડિમેટ એકાઉન્ટ, ડિજિટલ વોલેટ, ઈ-મેઈલ, સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને ખાસ કરીને ક્રિપ્ટોકરન્સી તથા NFT(નોન-ફંજીબલ ટોકન) જેવી કિંમતી સંપત્તિઓનો સમાવેશ થાય છે. આ એવી મિલકતો છે જેનું આર્થિક મૂલ્ય ઘણું વધારે હોઈ શકે છે અને તે કાયદેસર રીતે વારસદારોને ટ્રાન્સફર કરી શકાય છે.
ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ અને ડિજિટલ સંપત્તિ
ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925(Indian Succession Act) મુજબ, વ્યક્તિએ પોતાની વસીયતમાં ડિજિટલ સંપત્તિનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. કાયદાકીય નિષ્ણાતો સલાહ આપે છે કે ડિજિટલ એસેટ્સનું એક ખાનગી લિસ્ટ બનાવવું જોઈએ અને તેના પાસવર્ડ્સ કે એક્સેસની વિગતો કોઈ સુરક્ષિત માધ્યમથી એક્ઝિક્યુટર(વહીવટકર્તા) સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
ડિજિટલ ડેટાની સુરક્ષા અને ઉત્તરાધિકાર
ગૂગલ, એપલ અને ફેસબુક જેવી કંપનીઓ હવે 'લેગસી કોન્ટેક્ટ' અથવા 'ઇનએક્ટિવ એકાઉન્ટ મેનેજર' જેવા ફીચર્સ આપે છે, જેના દ્વારા તમારા મૃત્યુ બાદ કોઈ વિશ્વાસુ વ્યક્તિ તમારા ડેટાનો એક્સેસ મેળવી શકે છે. ક્રિપ્ટોકરન્સીના કિસ્સામાં મૃત્યુનું પ્રમાણપત્ર અને વસીયત દ્વારા ક્લેમ કરી શકાય છે, પરંતુ જો તે પર્સનલ વોલેટમાં હોય તો તેની 'સીડ ફ્રેઝ'(રિકવરી કી) હોવી અનિવાર્ય છે.
DPDP એક્ટ: હવે મળશે 'ડિજિટલ વારસદાર'નો અધિકાર
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન(DPDP) એક્ટ હેઠળ હવે દરેક વ્યક્તિને પોતાનો 'ડિજિટલ વારસદાર' નિમવાનો અધિકાર મળ્યો છે. આ વારસદાર તમારા ઈ-મેઈલ કે ક્લાઉડ સ્ટોરેજનું સંચાલન કરી શકે છે. નિષ્ણાતો સૂચવે છે કે વસીયતમાં કોઈ 'ડિજિટલ એક્ઝિક્યુટર'ની નિમણૂક કરવી જોઈએ જે ટેકનોલોજીનો જાણકાર હોય અને તમારા પાસવર્ડ્સ કે હાર્ડવેરને હેન્ડલ કરી શકે.
એકાઉન્ટ ઇનએક્ટિવ થતા જ વારસદારને મળશે એક્સેસ
આ ઉપરાંત, હવે 'સ્માર્ટ કોન્ટ્રાક્ટ' જેવી આધુનિક ટેકનોલોજી પણ ઉપલબ્ધ છે, જે અમુક સમય સુધી એકાઉન્ટ ઇનએક્ટિવ રહે તો આપોઆપ સંપત્તિ વારસદારના વોલેટમાં ટ્રાન્સફર કરી દે છે. તમારી ડિજિટલ સંપત્તિ લોક ન થઈ જાય અથવા કાયમ માટે ખોવાઈ ન જાય તે માટે તેનું યોગ્ય પ્લાનિંગ કરવું હવે ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે.

