નીતિશ કુમારે જે યુવતીનો હિજાબ હટાવ્યો તે નારાજ નહીં, કોલેજ પ્રિન્સિપાલનો મોટો દાવો

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના હિજાબને લઈને વિવાદ સતત વકરતો જાય છે. એક કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ છોકરીના ચહેરા પરથી હિજાબ હટાવવા બદલ તેમની ચારેકોરથી ટીકા થઈ રહી છે. વિપક્ષી નેતાઓએ નીતિશ કુમારના આ વર્તનને શરમજનક ગણાવી હતી. જ્યારે અનેક રાજ્યોમાં નીતિશ કુમાર સામે કાર્યવાહીની માંગણીઓ થઈ રહી છે. જોકે, આ વિવાદ વચ્ચે જે કોલેજમાં આ ઘટના બની હતી તેના પ્રિન્સિપાલે ચોંકાવનારો દાવો કર્યો છે.
પ્રિન્સિપાલે શું દાવો કર્યો?
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટણાની તિલ્બી કોલેજની વિદ્યાર્થિની ડો. નુસરત પ્રવીણનો હિજાબ ખેંચ્યો હતો. તે કોલેજના પ્રિન્સિપાલ મહફૂઝુર રહેમાને ચોંકાવનારો દાવો કર્યો છે. જેમાં તેમણે નુસરતના એક બેચમેટ સાથે વાત કરીને એ વાતની પુષ્ટિ કરી કે નુસરત નારાજ નથી. નુસરતે નોકરી નહીં કરવા જેવી કોઈ વાત પણ કહી નથી. નુસરત નોકરીમાં જોડાશે.
નુસરતના બેચમેટે શું કહ્યું?
હિજાબ વિવાદમાં સામેલ ડૉ. નુસરત પ્રવીણના બેચમેટ બિલ્કિસનું નિવેદન પણ સામે આવ્યું છે. નુસરત ક્યારે જોડાશે તે અંગે પૂછવામાં આવતા બિલ્કીસે કહ્યું, "મને સમાચાર મળ્યા છે કે તે શનિવારે નોકરીમાં જોડાશે. તે હંમેશા બુરખો પહેરતી હતી. કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું કે ડૉ. નુસરત શનિવારે સવારે 10 વાગ્યે પટણા સદર હોસ્પિટલમાં ફરજ પર જોડાશે.
શું હતો વિવાદ
બિહારની રાજધાની પટણામાં મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા ગત સોમવારે નવા નિયુક્ત આયુષ ડોક્ટરોને નિમણૂક પત્રો આપી રહ્યા હતા. આ દરમિયાન નીતિશ કુમારે નિમણૂક પત્ર લેનારી એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતા હોબાળો મચ્યો હતો. આરજેડી સહિત વિવિધ વિપક્ષી નેતાઓએ નીતિશ કુમારના આવા વર્તનને શરમજનક બતાવ્યું હતું.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ મહિલાનો હિજાબ ઉતારવાના પ્રયાસ અંગે સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા ઉર રહેમાન બર્કે કહ્યું, "આ એક શરમજનક કૃત્ય છે. નીતિશ કુમારે માફી માંગવી જોઈએ. જો તેઓ આમ ન કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાએ પણ નીતિશ કુમાર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે.

