VIDEO: "૪૦ વર્ષમાં આવું ક્યારેય નથી જોયું...": દિલ્હીને બાનમાં લેવાતા ભડક્યા RJD સાંસદ મનોજ ઝા, કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો!
રાજધાની દિલ્હીમાં વધી રહેલા વિરોધ પ્રદર્શનો અને સુરક્ષા વ્યવસ્થાને લઈને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સાંસદ મનોજ ઝાએ કેન્દ્ર સરકાર સામે આકરા તેવર દર્શાવ્યા છે. દિલ્હીમાં વિવિધ સ્થળોએ કડક સુરક્ષા દળોની તૈનાતી અને લોકોની અટકાયતને લઈને તેમણે સરકારની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
મીડિયા સાથે વાતચીત કરતા મનોજ ઝાએ વ્યથા અને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "હવે કહેવા માટે કશું જ બચ્યું નથી. સરકાર પોતાની જ જનતા સામે લડી રહી છે અને પોતાની મૂળભૂત જવાબદારીઓમાંથી ભાગી રહી છે. ઠેર-ઠેરથી લોકોને ઉઠાવીને અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે અને ચારેય તરફ માત્ર સુરક્ષા દળોનો પહેરો ગોઠવી દેવાયો છે."
પોતાના ચાર દાયકાના રાજકીય અને સામાજિક અનુભવનો હવાલો આપતાં તેમણે ઉમેર્યું હતું કે, "મારા ૪૦ વર્ષના વિરોધ પ્રદર્શનો અને આંદોલનોમાં ભાગ લેવાના ઈતિહાસમાં મેં ક્યારેય દિલ્હીની આવી હાલત જોઈ નથી. આખી દિલ્હીને આ રીતે થંભાવી દેવામાં આવી હોય તેવું ક્યારેય બન્યું નથી."
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ સામે લેવાઈ રહેલા આકરા પગલાં અને કડક પોલીસ બંદોબસ્તને કારણે વિપક્ષ સતત સરકાર પર લોકશાહી ઢબે અવાજ ઉઠાવવાના અધિકારનું હનન કરવાનો આરોપ લગાવી રહ્યો છે. મનોજ ઝાના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે.

