પાડોશી દેશ નેપાળના તેવર બદલાયા, કૈલાશ માનસરોવર યાત્રા મુદ્દે ભારતને લખી 'ડિપ્લોમેટિક પ્રોટેસ્ટ નોટ'

નેપાળની બાલેન સરકારે ભારત અને ચીનને એક રાજદ્વારી પત્ર એટલે કે 'ડિપ્લોમેટિક પ્રોટેસ્ટ નોટ' મોકલી છે. આ મામલો લિપુલેખ પાસ થઈને કૈલાશ માનસરોવર યાત્રાના સંચાલન સાથે જોડાયેલો છે, જેના પર નેપાળે વાંધો ઉઠાવ્યો છે. નેપાળનું કહેવું છે કે આ વિસ્તાર તેની જમીનનો હિસ્સો છે અને તેના પર કોઈ પણ પ્રવૃત્તિ સ્વીકાર્ય નથી.
ભારત અને ચીન બંનેને સત્તાવાર પત્ર મોકલ્યા
નેપાળના વિદેશ મંત્રાલયે માહિતી આપી કે ભારત અને ચીન બંનેને સત્તાવાર રીતે પત્ર મોકલીને આ યોજના પર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મંત્રાલયના પ્રવક્તા લોકબહાદુર પૌડેલ ક્ષેત્રીના જણાવ્યા મુજબ નેપાળ સરકારે સ્પષ્ટપણે પોતાનું વલણ બંને દેશોને જણાવી દીધું છે.
નેપાળે રાજકીય સહમતિથી લીધો નિર્ણય
આ ઉપરાંત નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે પણ જણાવ્યું કે આ મુદ્દે તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ સરકારે આ પગલું ભર્યું છે. એટલે કે આ નિર્ણય માત્ર વિદેશ મંત્રાલયનો નથી, પરંતુ સંપૂર્ણ રાજકીય સહમતિ બાદ લેવામાં આવ્યો છે.

