નવી મુંબઈમાં દુકાનમાં રાખેલા પેટ્રોલ ડ્રમમાં થયો વિસ્ફોટ, આગમાં એક મહિલા અને 2 બાળકોના મોત

Navi Mumbai Fire: નવી મુંબઈના ઉલવે વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે પેટ્રોલ ડ્રમમાં વિસ્ફોટને કારણે લાગેલી આગમાં એક મહિલા અને તેના બે બાળકોનું મોત નીપજ્યું હતું. નવી મુંબઈના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP)ના જણાવ્યા અનુસાર, આગ એક જનરલ સ્ટોરમાં લાગી હતી અને વિસ્ફોટ બાદ બાજુના મકાનમાં ફેલાઈ ગઈ હતી. રમેશ નામના દુકાનદારને ઈજા થઈ હતી અને હાલમાં તેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
નવી મુંબઈના ACP જણાવ્યું, “અમને જાણવા મળ્યું છે કે દુકાનદાર રમેશ ઘાયલ થયો છે અને તેની પત્ની અને બે બાળકોના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”
ફાયર ઓફિસર વિજય રાણેએ પુષ્ટિ કરી હતી કે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બે ફાયર ગાડીઓની મદદથી આગને કાબુમાં લીધી હતી. રાણેએ જણાવ્યું હતું, "અમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. સ્થાનિક લોકો દ્વારા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ, આગ ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટને કારણે લાગી હતી, પરંતુ કારણ હજુ સુધી જાણી શકાયું નથી."

