VIDEO: 'મારા પુત્ર પર તો 1600 કરોડનું દેવું ...' ઇથેનોલ કૌભાંડના આક્ષેપો પર ગડકરીની સ્પષ્ટતા
Nitin Gadkari Ethanol Blending Programme Controversy 2026 : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સરકારના ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામથી તેમને અથવા તેમના પરિવારને કોઈ આર્થિક ફાયદો થયો હોવાના તમામ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. તેમણે પોતાની સામે ચાલી રહેલી આ ઝુંબેશને "રાજકીય રીતે પ્રેરિત" અને ખોટી માહિતી પર આધારિત ગણાવી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ કર્યું કે વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવાનો તેમનો હેતુ માત્ર જાહેર નીતિ અને દેશના હિત માટે છે, કોઈ ખાનગી સ્વાર્થ માટે નહીં.
મારા પુત્રોની કંપનીઓ પર 1,600 કરોડ રૂપિયાનું દેવું છે
નિતિન ગડકરીએ જણાવ્યું કે તેમના પુત્રો દ્વારા ચલાવવામાં આવતા ખાંડ અને ઇથેનોલના વ્યવસાયનો આ ક્ષેત્રમાં બહુ જ મામૂલી હિસ્સો છે અને તેની કામગીરી, કિંમતો નક્કી કરવા કે ખરીદી પ્રક્રિયામાં તેમની કોઈ ભૂમિકા નથી. તેમણે આંકડા આપતા કહ્યું, "તેમના કુલ બિઝનેસમાં ઇથેનોલનો હિસ્સો માત્ર 10% જ છે અને દેશના સમગ્ર ઇથેનોલ બિઝનેસમાં મારા પુત્રોની ફેક્ટરીઓનો હિસ્સો 0.5% કરતા પણ ઓછો છે. આ કંપનીઓ પર આશરે 1,600 કરોડ રૂપિયાનું દેવું છે. આવા સંજોગોમાં વ્યક્તિગત લાભના દાવા તદ્દન પાયાવિહોણા છે."
વાજપેયી અને UPA સરકારના સમયથી ચાલે છે આ પ્રોગ્રામ
કેન્દ્રીય મંત્રીએ યાદ અપાવ્યું કે ઇથેનોલ બ્લેન્ડિંગની પહેલ સૌપ્રથમ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી NDA સરકારમાં શરૂ થઈ હતી અને ત્યારબાદ UPA સરકારમાં પણ ચાલુ રહી હતી, જેમાં તત્કાલીન પેટ્રોલિયમ મંત્રી મણિશંકર અય્યરે પણ સંસદમાં તેને સમર્થન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે તેઓ માત્ર શેરડી આધારિત ઇથેનોલ જ નહીં, પરંતુ મકાઈ, ચોખા, પાકના કચરા (પરાલી) અને વાંસમાંથી બનતા ઇથેનોલ તેમજ મિથેનોલ, હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વાહનો જેવા વૈકલ્પિક ઇંધણના સતત હિમાયતી રહ્યા છે જેથી પ્રદૂષણ ઘટે અને ક્રૂડ ઓઇલની આયાત પર ભારતની નિર્ભરતા ઓછી થાય.
એન્જિન બગડવાના દાવા અફવા, Maruti Suzuki એ પણ ક્લીન ચિટ આપી
પેટ્રોલમાં 20% ઇથેનોલના મિશ્રણ એટલે કે E20 ફ્યુઅલને કારણે વાહનોના એન્જિન બગડી રહ્યા હોવાના સોશિયલ મીડિયાના દાવાઓને પણ મંત્રીએ નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે E10 કમ્પ્લાયન્ટ તમામ વાહનો સુરક્ષિત રીતે E20 ઇંધણનો ઉપયોગ કરી શકે છે અને ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ પણ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે આ ઇંધણથી કોઈ સમસ્યા નથી થઈ. ગડકરીએ તાજેતરમાં જ આવી સમસ્યાનો સામનો કરી રહેલા લોકોને મંત્રાલયને પત્ર લખવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ હજી સુધી એક પણ ફરિયાદ મળી નથી.
માઇલેજમાં આંશિક ઘટાડો શક્ય, શુદ્ધ પેટ્રોલ મોંઘા ભાવે મળશે
મંત્રીએ સ્વીકાર્યું હતું કે પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલનું કેલરિફિક મૂલ્ય ઓછું હોવાથી હાઇવે પર વધુ સ્પીડ દરમિયાન માઇલેજમાં (ફ્યુઅલ એફિશિયન્સી) આંશિક ઘટાડો થઈ શકે છે, પરંતુ સામાન્ય શહેરી વિસ્તારોમાં તેની કોઈ ખાસ અસર પડતી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતે 20% ઇથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે અને દેશભરમાં E20 ઇંધણ ઉપલબ્ધ છે. જે ગ્રાહકોને માત્ર શુદ્ધ પેટ્રોલ જ જોઈતું હોય તેઓ તેને ખરીદી શકે છે, પરંતુ તેના માટે તેમણે વધુ કિંમત ચૂકવવી પડશે. બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા દેશોના ઉદાહરણ આપતા તેમણે સરકારની બાયોફ્યુઅલ વ્યૂહરચનાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે આનાથી પર્યાવરણની સાથે ખેડૂતોને ફાયદો થશે અને દેશનું ઓઇલ ઇમ્પોર્ટ બિલ ઘટશે.

