VIDEO: મારા પપ્પા ધારાસભ્ય છે...' કહી ભાજપ નેતાની દીકરીએ પોલીસકર્મીને લાફો ઝીંકી દીધો
કર્ણાટકના તુમકુરુ ગ્રામીણ ક્ષેત્રના ભાજપ ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની પુત્રી ઐશ્વર્યાનો એક હાઇપ્રોફાઇલ વિવાદ સામે આવ્યો છે. શ્રીરંગપટના સ્થિત આરતી ઉક્કડ મંદિરમાં ભીમા અમાવસ્યાના ઉત્સવ દરમિયાન દર્શન કરવા પહોંચેલી ઐશ્વર્યાએ ફરજ પર તૈનાત મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સવિતા બી. પાટીલ સાથે ગેરવર્તણૂક કરી હતી. લાઇન વિના સીધા ગર્ભગૃહમાં જવાની કોશિશ કરતી વખતે પોલીસે રોકતાં તીખી બહસ થઈ હતી. સમગ્ર ઘટનાના સામે આવેલા CCTV ફૂટેજમાં ધારાસભ્યની પુત્રી મહિલા પોલીસ અધિકારીને તમાચો મારતી નજરે પડે છે. આ ઘટના 12 ઓગસ્ટના રોજ સાંજે 4:30 વાગ્યા આસપાસ બનેલી હોવાનું સામે આવ્યું છે.
CCTV ફૂટેજ વાઇરલ થતાં પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ
વાઇરલ CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે બોલાચાલી દરમિયાન ઐશ્વર્યા પોતાના ફોનથી કોલ કરવાનો પ્રયાસ કરે છે અને અચાનક મહિલા SI સવિતાને થપ્પડ મારી દે છે, જેના જવાબમાં મહિલા અધિકારી પણ સામો પ્રહાર કરે છે. આ ઘટના બાદ મહિલા અધિકારીએ ક્યાથનહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધારાસભ્યની પુત્રી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ સરકારી કર્મચારી પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી અને ગુનાહિત કૃત્ય બદલ FIR દાખલ કરી છે. સામે પક્ષે ઐશ્વર્યાએ પણ મહિલા અધિકારી વિરુદ્ધ ગાળાગાળી કરવાનો આક્ષેપ મૂકી વળતી ફરિયાદ નોંધાવી છે.
આ ચર્ચિત કિસ્સા બાદ ભાજપ ધારાસભ્ય બી. સુરેશ ગૌડાએ મીડિયા સમક્ષ આવીને પુત્રીના વર્તન બદલ ક્ષમા માગી છે. તેમણે જણાવ્યું હતું કે જો તેમની પુત્રીથી ભૂલ થઈ હોય તો કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ. ઐશ્વર્યા પોતાના 2 નાના બાળકો સાથે મંદિર ગઈ હતી અને લાઈનમાં બાળકો હેરાન ન થાય તે માટે થોડી રાહત માગી હતી. જોકે, રાજકીય પરિવારની સભ્ય હોવાના નાતે તેણે સંયમ રાખવો જોઈતો હતો. ધારાસભ્યે મંદિરોમાં VIP સંસ્કૃતિનો વિરોધ કરતાં કહ્યું કે તમામ શ્રદ્ધાળુઓ માટે સમાન નિયમો હોવા જોઈએ જેથી સામાન્ય જનતાને અસુવિધા ન થાય અને પોલીસ પર બિનજરૂરી દબાણ ન રહે.

