VIDEO: મુંબઈ: ભારે વરસાદ અને તેજ પવનનો કહેર, લાલબાગ સહિતના વિસ્તારો પ્રભાવિત
મુંબઈમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે શહેરના લાલબાગ સહિતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ સાથે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે સમગ્ર મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે 'રેડ એલર્ટ' જાહેર કરતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેને પગલે ટ્રાફિક વ્યવસ્થા પર પણ માઠી અસર પડી છે. નાગરિકોને બિનજરૂરી કામ સિવાય બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. સુરક્ષાના કારણોસર મુંબઈની તમામ સરકારી અને ખાનગી શાળાઓ તથા કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા લોકોને સતર્ક રહેવા અને કોઈપણ ઈમરજન્સી માટે પાલિકાની હેલ્પલાઇનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આ સતત વરસી રહેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક વધી છે પરંતુ સાથે જ અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

