ડેટા સંરક્ષણના નામે RTIના કાયદાને નબળો પાડવાનો મોદી સરકારનો પ્રયાસ, ખડગેએ લગાવ્યા આ આરોપ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, 'કેન્દ્ર સરકાર ડેટા પ્રોટેક્શનના નામ પર માહિતી અધિકાર કાયદાને નબળો પાડવાનું કામ કરી રહી છે.' તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ સરકાર RTIના કાયદાને નબળો પડવા દેશે નહીં અને આ પ્રકારના પ્રયાસો વિરુદ્ધ સંસદથી લઈને રસ્તા સુધી અવાજ ઉઠાવતી રહેશે.'
મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, એક તરફ ભારત છેલ્લા કેટલાક વર્ષોથી ખોટી માહિતી અને દુષ્પ્રચારના મામલે ટોપ પર છે, તો બીજી તરફ મોદી સરકાર ડેટા પ્રોટેક્શન કાયદો લાવીને કોંગ્રેસ-યુપીએ દ્વારા લાગુ કરાયેલ માહિતી અધિકાર (RTI) કાયદાને નબળો પાડવાના પ્રયાસ કરી રહી છે.
કૌભાંડી અબજોપતિઓના નામ પબ્લિક ડોમેનમાં હોવા જરૂરી
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ભલે તે જાહેર ક્ષેત્રની જાણકારી હોય જેમ કે, રેશનકાર્ડની યાદી, મનરેગાના લાભાર્થી મજૂરો, જન કલ્યાણ યોજનાઓમાં સામેલ લોકોના નામ, ચૂંટણીમાં મતદાર યાદી, કે પછી સરકારી બેંકોમાંથી લોન લઈને વિદેશ ભાગી ગયેલા કૌભાંડી અબજોપતિઓના નામ હોય, આ તમામના નામ જાહેરમાં હોવા જરૂરી છે, પરંતુ હવે મોદી સરકાર ડેટા પ્રોટેક્શનના નામ પર RTIને નબળો બનાવી રહી છે, જેના કારણે આવા નામ હવે જાહેર નહીં થઈ શકશે.
તાનાશાહી સરકાર સામે લડતા રહીશું
ગોપનીયતાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે અને કોંગ્રેસે તેના માટે લડી છે, પરંતુ જ્યાં પબ્લિક વેલફેયરની વાત આવે છે, ત્યાં RTI જરૂરી છે. કોંગ્રેસના RTIમાં પણ ગોપનીયતાના અધિકારનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, પરંતુ એનો અર્થ એ નથી કે લાભાર્થીઓની યાદી અથવા કૌભાંડીઓના નામ જાહેર ન કરવા જોઈએ. કોંગ્રેસ પાર્ટી RTI ને નબળો નહીં પડવા દેશે, અમે પહેલા પણ તેના માટે અવાજ ઉઠાવ્યો છે અને હવે પણ સંસદથી લઈને રસ્તા સુધી અવાજ ઉઠાવતા રહીશું. અમે જનતાના અધિકારોના રક્ષણ માટે લડતા રહીશું.

