OBC ક્રીમીલેયર અંગે મોદી સરકારને ઝટકો, જૂના આદેશ પર રોક લગાવવાની ના પાડી

ઓબીસી (OBC) ક્રીમીલેયર અનામત મામલે સુપ્રીમ કોર્ટમાંથી કેન્દ્ર સરકારને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે પોતાના અગાઉના આદેશ પર રોક લગાવવાની કેન્દ્રની વિનંતીને ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે કોઈપણ પ્રકારની વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરીને તમામ પક્ષોને 17 સપ્ટેમ્બર 2026 સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
જૂના આદેશ પર રોક લગાવવાની ના પાડી
જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આર. મહાદેવનની બેંચે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા માગતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન બેંચે સ્પષ્ટ કર્યું કે, કોર્ટના 11 માર્ચના ચુકાદાના અમલ પર કોઈ સ્ટે આપવામાં આવશે નહીં. આ મામલે તમામ સંબંધિત પક્ષોએ 17 સપ્ટેમ્બર સુધીમાં પોતપોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે.
માત્ર પગારના આધારે અનામત રદ ના થઇ શકે
UPSC 2025 ની ભરતી પર અસરો
કેન્દ્ર સરકારના કાર્મિક મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આ ચુકાદાને અમલમાં મૂકવામાં આવતી વ્યવહારુ મુશ્કેલીઓ રજૂ કરી હતી. સરકારે જણાવ્યું કે આ નિર્ણયથી UPSC પરીક્ષા 2025 ની પ્રક્રિયા પર સીધી અસર પડી રહી છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, UPSC દ્વારા ભલામણ કરાયેલા 958 ઉમેદવારોની સેવા ફાળવણી (Service Allocation) ની પ્રક્રિયા જૂના નિયમો મુજબ અંતિમ તબક્કામાં હતી. જો આ નિર્ણયને પાછલી અસરથી (Retrospective Effect) લાગુ કરવામાં આવે તો મેરિટ લિસ્ટ, કેડર ફાળવણી (જેમ કે IAS, IPS) અને તાલીમ પ્રક્રિયા ખૂબ જ પ્રભાવિત થશે.
18 રાજ્યો અને સંસ્થાઓ પર અસર
કેન્દ્ર સરકારે વધુમાં ઉમેર્યું હતું કે આ ચુકાદાથી કેન્દ્ર ઉપરાંત 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી સરકારી ભરતીઓ તેમજ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા પર મોટી અસર પડશે.
હવે 17 સપ્ટેમ્બરે થશે આગળની સુનાવણી
સુપ્રીમ કોર્ટે સરકારની તમામ રજૂઆતો અને ચિંતાઓને સાંભળ્યા બાદ પણ આદેશના અમલીકરણ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. હવે આ ચર્ચાસસ્પદ મામલે આગામી મહત્વની સુનાવણી 17 સપ્ટેમ્બર 2026 ના રોજ હાથ ધરવામાં આવશે

