'મિડલ ઈસ્ટના સંકટની દેશવાસીઓ ઉપર અસર ના પડે', PM મોદીએ મંત્રીઓને આપ્યા આદેશ

ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. વૈશ્વિક ઉર્જા સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. તેલ અને ગેસના પુરવઠામાં વિક્ષેપથી વિશ્વભરના મોટાભાગના દેશોમાં વ્યાપક ગભરાટ ફેલાયો છે. દરમિયાન આજે નવી દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ નિર્દેશ આપ્યો હતો કે, ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર સામાન્ય જનતા પર ન પડે. તેમણે તમામ મંત્રાલયો અને વિભાગોને સાથે મળીને કામ કરવા વિનંતી કરી. સૂત્રોના જણાવ્યા મુજબ કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓ અને મંત્રાલયોને સાથે મળીને કામ કરવા સૂચના આપી હતી, જેનાથી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર દેશના નાગરિકો પર ઓછામાં ઓછી પડે, તેમણે તમામ મહત્વના મંત્રાલયોને કોઈપણ સંભવિત પડકાર માટે સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સપ્લાય ખોરવી નાખવામાં આવતા ભારતમાં LPG ગેસની અછત સર્જાઈ છે. આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ઘરેલુ ગ્રાહકો માટે ગેસનો પુરવઠો જાળવી રાખવા કડક આદેશ આપ્યા છે. અહેવાલો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી હાજર રહ્યા હતા.
ઘરેલુ ગ્રાહકોને અગ્રતા
હાલમાં કેન્દ્ર સરકારનું ધ્યાન ઘરેલુ ગ્રાહકોને ગેસ સિલિન્ડરનો પુરવઠો ઓછો ન થાય તેની ખાતરી કરવા પર છે. પરિણામે ઔદ્યોગિક એકમોને પુરવઠો ઓછો કરવામાં આવ્યો છે. વધુમાં ઓછા વાણિજ્યિક સિલિન્ડર પૂરા પાડવામાં આવી રહ્યા છે. હોટેલ ઉદ્યોગે આનો વિરોધ કર્યો છે, કારણ કે તેમના આ ઉદ્યોગમાં સિલિન્ડરોનો વપરાશ મુખ્ય છે. આવી સ્થિતિમાં હોટેલ ઉદ્યોગ પોતે જ બંધ થવાના જોખમનો સામનો કરે છે. આગામી થોડા દિવસો દેશમાં LPG સિલિન્ડરોના પુરવઠા માટે નિર્ણાયક બની શકે છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ ભારતના મોટાભાગના ઓઇલ અને ગેસ પુરવઠાનો સ્ત્રોત છે.
ભારતની આયાત પર નિર્ભરતા
વૈશ્વિક કટોકટી ભારત માટે ચિંતાનો વિષય છે કારણ કે, ભારત તેની કુલ LPG જરૂરિયાતનો 62% ભાગ વિદેશથી આયાત કરે છે. ક્રૂડ ઓઈલ માટે ભારતની નિર્ભરતા 85% જેટલી ઊંચી છે. હોર્મુઝ સ્ટ્રેટ એ ભારત માટે ઓઈલ અને ગેસનો મુખ્ય સ્ત્રોત છે; જે લાંબો સમય બંધ રહે તો કટોકટી વધુ ઘેરી બની શકે છે. બે દાયકા પહેલાની સરખામણીએ આજે દેશની મોટાભાગની વસ્તી રસોઈ માટે સંપૂર્ણપણે LPG પર નિર્ભર છે. ગેસની અછત જનતામાં વ્યાપક ગુસ્સો પેદા ન કરે તે માટે કેન્દ્ર સરકાર યુદ્ધના ધોરણે વૈકલ્પિક વ્યવસ્થાઓ પર કામ કરી રહી છે. આગામી થોડા દિવસો ભારત માટે 'નિર્ણાયક' માનવામાં આવી રહ્યા છે.
LPGની અછતની અફવાથી ડર!
મહત્વનું છે કે મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાતા ઈંધણ અને ગેસને લઈને દેશમાં અનેક અફવાઓ ચાલી રહી છે. જે કારણે દેશના કેટલાય શહેરોમાં રાંધણગેસના પુરવઠાને લઈને લોકોમાં ડર જોવા મળી રહ્યો છે, બીજી તરફ સરકારે સિલિન્ડરોના કાળા બજાર ડામવા બૂકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. એક સિલિન્ડરવાળા 21ના બદલે 25 અને બે સિલિન્ડરવાળા 25ના બદલે 30 દિવસે બૂકિંગ કરાવી શકશે. કેટલાય શહેરો અને કસબાઓમાં ગેસના બાટલા માટે લાંબી-લાંબી લાઇન જોવા મળી રહી છે. લોકો ખાલી સિલિન્ડરો સાથે એજન્સીઓની બહાર ઊભેલા જોવા મળી રહ્યા છે. જો કે સરકાર અને ઉર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં ગેસના સિલિન્ડરોની કોઈ કટોકટી નથી. હાલમાં જોવા મળતી સ્થિતિનું મુખ્ય કારણ ગભરાટમાં કરવામાં આવતું બૂકિંગ અને સ્થાનિક સ્તરે પુરવઠા અંગેની સમસ્યા છે.
જલ જીવન મિશનને લંબાવવાની મંજૂરી
પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં જલ જીવન મિશનને ડિસેમ્બર 2028 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ માટે આશરે ₹8.69 લાખ કરોડની વધારાની ફાળવણી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો હેતુ ગ્રામીણ ભારતના તમામ ઘરો સુધી નળ દ્વારા સ્વચ્છ અને પૂરતું પીવાનું પાણી પૂરું પાડવાનો છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "કેબિનેટે જળ જીવન મિશન (JJM) ના અમલીકરણને માળખાગત સુવિધા નિર્માણથી સેવા વિતરણ તરફ પુનર્ગઠન અને પુનઃનિદેશિત કરવાના જળ શક્તિ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે માળખાકીય સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને મંત્રીમંડળે JJM ના અમલીકરણ માટેના કુલ ખર્ચમાં ₹8.69 લાખ કરોડનો વધારો કરવાની મંજૂરી આપી છે.

