"માત્ર નારા લગાવવાથી દેશ પર અસર નહીં પડે..." બેંગલુરુમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કાર્યકરોને સ્ટેજ પરથી ખખડાવ્યા

બેંગલોર(કર્ણાટક)માં આયોજિત કોંગ્રેસના ‘સંકલ્પ સમાવેશ’ કાર્યક્રમ દરમિયાન પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કાર્યકરો પર ભડકી ગયા હતા. કાર્યક્રમની વચ્ચે કેટલાક કાર્યકરો 'ડીકે-ડીકે' ના નારા લગાવવા લાગ્યા, જેનાથી નારાજ થઈને ખડગેએ સ્ટેજ પરથી જ તેમને ફટકર લગાવી દીધી. તેમણે કહ્યું કે આ કોઈ એક વ્યક્તિનો કાર્યક્રમ નથી, પરંતુ પાર્ટીનો કાર્યક્રમ છે અને અહીં વ્યક્તિપૂજા માટે કોઈ સ્થાન નથી.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'નકામા લોકો, શું અહીં નારા લગાવવાથી આખો દેશ પ્રભાવિત થઈ જશે? આપણે બધા અહીં પાર્ટીના કાર્યક્રમ માટે ભેગા થયા છીએ. મને રાજકારણમાં 58 વર્ષનો અનુભવ છે. અહીં ઘણા એવા નેતાઓ આવ્યા છે, જેમનું પાર્ટીમાં યોગદાન ભલે ઓછું રહ્યું હોય, પરંતુ પાર્ટીએ તેમને ઘણું મોટું યોગદાન આપ્યું છે. જે કોઈ પણ અહીં નારેબાજી કરી રહ્યું છે, તેના ફૂટેજ ઉપલબ્ધ હશે. હું ફૂટેજની તપાસ કરાવ્યા બાદ શિસ્તભંગના પગલાં લઈશ.'
પીએમ મોદી દેશને બરબાદ કરી રહ્યા છે: ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બંને નેતાઓ પોતાને સારા મિત્રો ગણાવે છે, પરંતુ એક દેશને અને બીજા સમગ્ર વિશ્વને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું, 'મોદી દેશને બરબાદ કરી રહ્યા છે અને ટ્રમ્પ આખી દુનિયાને. બંને પોતાને સારા મિત્રો કહે છે, પરંતુ તેમના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.' ખડગેએ વધુમાં જણાવ્યું કે ભારતે જવાહરલાલ નેહરુના સમયથી બિન-જોડાણવાદી નીતિ (ગુટનિરપેક્ષતા) અપનાવી હતી અને તમામ દેશો સાથે સંતુલિત સંબંધો જાળવી રાખ્યા હતા, પરંતુ વર્તમાન સરકારે તે નીતિ છોડી દીધી છે.
કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો હતો કે વિદેશ નીતિમાં ફેરફાર અને વ્યક્તિગત મિત્રતાની રાજનીતિના કારણે દેશને નુકસાન વેઠવું પડી રહ્યું છે. તેમણે કોંગ્રેસ કાર્યકરોને જનતા વચ્ચે જઈને સરકારની નીતિઓની અસરો વિશે જાગૃત કરવા અને પાર્ટીની વિચારધારાને મજબૂત કરવા આહવાન કર્યું હતું. રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા નાણાકીય ગેરરીતિઓના આરોપોનો ઉલ્લેખ કરતા ખડગેએ દાવો કર્યો કે મંદિર નિર્માણ માટે એકત્ર કરાયેલા ભંડોળનો યોગ્ય હિસાબ આપવામાં આવ્યો નથી. તેમણે આરોપ લગાવ્યો કે રામ મંદિરના નામે મોટા પાયે આર્થિક ગેરરીતિઓ થઈ છે અને આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. મંદિરોની દાનપેટીઓમાંથી આવતા નાણાં ક્યાં જઈ રહ્યા છે તેની તપાસ થવી જરૂરી છે.

