VIDEO: અલવર પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કારમાં ભીષણ આગ, 3 મહિલાઓ અને 1 બાળકી સહિત 5ના મોત
રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલતી કારમાં અચાનક આગ લાગતા પાંચ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજપુર પાસે પિલર નંબર 115-300 પર રાત્રે આ દુર્ઘટના બની હતી. દિલ્હીથી કોટા તરફ જઈ રહેલી આ કારમાં અજ્ઞાત કારણોસર લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે કારમાં સવાર મધ્ય પ્રદેશના શ્યોપુરના રહેવાસી ત્રણ મહિલાઓ અને એક બાળકી સહિત પાંચ લોકો બહાર નીકળી શક્યા નહોતા અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. કાર ચાલક વિનોદ કુમાર મેહરે ચાલતી ગાડીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ તે 80 ટકા જેટલો દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે નાશ પામી હતી. ડીએસપી કૈલાશ જિંદલે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

