અજમેરની હાઈ-સિક્યોરિટી જેલમાં મોટી દુર્ઘટના: કુખ્યાત ડાકુ જગન ગુર્જરની શંકાસ્પદ સંજોગોમાં હત્યા

રાજસ્થાનની સૌથી સુરક્ષિત ગણાતી અજમેર હાઈ-સિક્યોરિટી જેલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચંબલ અને ડાંગ વિસ્તારમાં દાયકાઓ સુધી આતંકનું બીજું નામ બનેલા કુખ્યાત ડાકુ જગન ગુર્જરની જેલની અંદર શંકાસ્પદ સંજોગોમાં હત્યા થઈ હોવાના અહેવાલ છે. આ ઘટનાની જાણ થતાં જ જેલ પ્રશાસન અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
ઘટનાસ્થળે FSLની ટીમ, SPએ કરી પુષ્ટિ
પ્રારંભિક માહિતી અનુસાર જેલ પરિસરમાંથી જગન ગુર્જરનો મૃતદેહ મળી આવ્યો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને તાત્કાલિક જેલની અંદર બોલાવવામાં આવી છે, જે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે. અજમેરના એસપી હર્ષવર્ધન અગ્રવાલે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
કોણ હતો ડાકુ જગન ગુર્જર?
જગન ગુર્જરનું નામ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારોમાં દહેશતનો પર્યાય હતું. તેના પર હત્યાનો પ્રયાસ, લૂંટફાટ, ખંડણી, અપહરણ અને ડાકા જેવા અતિ ગંભીર ગુનાઓ સહિત 100થી વધુ કેસ નોંધાયેલા હતા. ત્રણ રાજ્યોની પોલીસ લાંબા સમય સુધી તેની પાછળ પડી હતી અને તાજેતરમાં જ તે જેલના સળિયા પાછળ ધકેલાયો હતો.
જેલ પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
અજમેરની જે ઘટના સામે આવી છે તેણે ફરી એકવાર જેલોની સુરક્ષા વ્યવસ્થાને કઠેડામાં ઊભી કરી દીધી છે. આ પહેલાં સપ્ટેમ્બર 2025 માં ટોંક જિલ્લાની જેલમાંથી એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં બે રીઢા ગુનેગારો જેલની અંદર હથિયારો લહેરાવતા, સિગારેટ-ગુટખાની મજા માણતા અને ફોન પર બિન્ધાસ્ત વાતો કરતા જોવા મળ્યા હતા.
દેશભરમાંથી આવી અનેક ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે જ્યાં ગુનેગારો જેલની અંદર બેઠા-બેઠા પણ ઘર જેવી સુવિધાઓ ભોગવતા હોય છે. ઉચ્ચ સુરક્ષા ધરાવતી જેલોમાં કેદીઓની હત્યા અને હિંસાની ઘટનાઓ સાબિત કરે છે કે કાં તો સુરક્ષામાં મોટી ખામી છે અથવા જેલના કેટલાક કર્મચારીઓની મિલીભગત છે.
હાલમાં જગન ગુર્જરના મોતનું સાચું કારણ જાણવા માટે કાયદાકીય તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસના અંતે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે કે આ આત્મહત્યા છે, પરસ્પર ગેંગવોર છે કે પછી કોઈ મોટી સાઝિશનો ભાગ છે.

