RSSના સંગઠનાત્મક માળખામાં થશે મોટા ફેરફાર!, માર્ચમાં લેવાશે મોટો નિર્ણય

RSSના સંગઠનાત્મક માળખાથી વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પણ પ્રભાવિત છે. આ મોટા સામૂહિક માળખામાં આમૂલ પરિવર્તન માટે વિચારણા કરવામાં આવી રહી છે. RSSના શતાબ્દી વર્ષ પૂર્ણ થયા પછી આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. RSSના પાયાના માળખાને મજબૂત બનાવવું અને સંગઠનનું વિકેન્દ્રીકરણ કરવું જેવા મુદ્દા શામેલ છે. RSSના સૂત્રો અનુસાર આ બાબતે નિર્ણય માર્ચમાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં લઈ શકાય છે. આ પ્રતિનિધિ સભા જ RSSના સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. જ્યાં તમામ મુખ્ય નિર્ણયો લેવામાં આવે છે.
RSSની માળખાગત વ્યવસ્થામાં થશે ફેરફાર
હકીકતમાં આ વર્ષે 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન જબલપુરમાં યોજાયેલી RSSની અખિલ ભારતીય કાર્યકારી બોર્ડની બેઠકમાં સંગઠનમાં આમૂલ ફેરફારોના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પછી RSSની અંદર ચર્ચા ચાલુ રહ છે પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો આવતા વર્ષે માર્ચમાં સર્વસંમતિ બનશે તો આ મોટા સંગઠનાત્મક ફેરફારો 2027 સુધીમાં લાગુ થઈ જશે.
પ્રાંતીય વ્યવસ્થા થઈ શકે છે નાબૂદ?
સંઘને પાયાના સ્તરે મજબૂત બનાવવા માટે સંગઠનાત્મક માળખામાં ફેરફાર કરવાની જરૂર છે. આ સંદર્ભમાં સૌથી મહત્વપૂર્ણ પગલું પ્રાંતીય વ્યવસ્થાને નાબૂદ કરવાનું છે. હાલમાં RSS 11 પ્રદેશો અને 46 પ્રાંતોમાં કાર્યરત છે. એવું સૂચન પણ કરાયું છે કે, 46 પ્રાંતોને બદલે 75 થી વધુ વિભાગો બનાવવામાં આવે. જેનાથી નેતૃત્ત્વ અને જમીની સ્તરના કાર્યકરો વચ્ચેનું અંતર ઘટે અને ઝડપી નિર્ણય લઈ શકાય. આના દ્વારા સામાજિક કાર્ય પર ભાર મૂકવામાં આવશે અને યુવાનોને સાથે જોડાવાની કવાયત થશે.

