સગીરો માટે પાસપોર્ટના નિયમોમાં મોટો ફેરફાર: બેવડી નાગરિકતા રાખતા બાળકો માટે કેન્દ્ર સરકારનો કડક નિર્ણય

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકતા (સુધારો) નિયમો, 2026 ને સૂચિત કરવામાં આવ્યા છે. વર્ષ 2009ના જૂના નિયમોમાં આ મહત્વના સુધારા કરીને સરકારે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ ધારકો અને નાગરિકતા માટેની અરજી પ્રક્રિયાને અત્યાધુનિક અને સંપૂર્ણ ડિજિટલ બનાવી દીધી છે. આ ફેરફારો પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શક, સરળ અને ઝડપી બનાવવાનો છે.
OCI કાર્ડ પ્રક્રિયા હવે સંપૂર્ણ ડિજિટલ
નવા નિયમો હેઠળ, હવે OCI કાર્ડ માટે અરજી કરવાની કે તેને સરેન્ડર કરવાની પ્રક્રિયા ઓનલાઇન પોર્ટલ દ્વારા જ થશે. અગાઉ જે કાગળ આધારિત અરજીઓની જરૂર પડતી હતી તેને હવે નાબૂદ કરવામાં આવી છે. સરકારે e-OCI સુવિધા પણ શરૂ કરી છે, જેનાથી અરજદારોને ફિઝિકલ કાર્ડની સાથે ઇલેક્ટ્રોનિક રજીસ્ટ્રેશન પણ મળી શકશે.
સગીરો માટે પાસપોર્ટના નિયમોમાં મહત્વનો ફેરફાર
ગુરુવારે પ્રસિદ્ધ થયેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ, સગીર બાળકો માટે એક કડક જોગવાઈ ઉમેરવામાં આવી છે. નવા નિયમ મુજબ, કોઈ પણ સગીર બાળક એકસાથે ભારતીય પાસપોર્ટ અને અન્ય કોઈ દેશનો પાસપોર્ટ રાખી શકશે નહીં. અગાઉ આ માત્ર એક ઘોષણા (Declaration) તરીકે લેવામાં આવતું હતું, પરંતુ હવે તેને સ્પષ્ટપણે નિયમમાં સામેલ કરી દેવાયું છે.
ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન અને બાયોમેટ્રિક ડેટા
નવી વ્યવસ્થામાં OCI અરજદારોએ હવે 'ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન પ્રોગ્રામ' માટે સંમતિ આપવી પડશે. આ અંતર્ગત તેમનો બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં જ્યારે પણ તેઓ ભારતની મુસાફરી કરે ત્યારે ઇમિગ્રેશન પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી શકાય.
નવા નિયમોની મુખ્ય વિશેષતાઓ:
-
દસ્તાવેજોની ઝંઝટ ખતમ: હવે દસ્તાવેજોની ડુપ્લિકેટ કોપી જમા કરાવવાની જરૂર રહેશે નહીં.
-
કાર્ડ પરત કરવાની શરત: જો કોઈ વ્યક્તિ OCI નાગરિકતા છોડવાની જાહેરાત કરે, તો તેણે પોતાનું મૂળ કાર્ડ નજીકના ભારતીય મિશન, પોસ્ટ અથવા ફોરેન રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસર (FRO) પાસે જમા કરાવવું પડશે.
-
અપીલની સુવિધા: જો કોઈની અરજી નકારવામાં આવે, તો તે અધિકારીથી એક સ્તર ઉપરના અધિકારી દ્વારા તે નિર્ણયની સમીક્ષા કરવામાં આવશે, જેથી અરજદારને પોતાનો પક્ષ રાખવાની પૂરી તક મળે.
કોણ પાત્ર છે અને કોણ નહીં?
આ યોજના તે ભારતીય મૂળની વ્યક્તિઓ માટે છે જેઓ 26 જાન્યુઆરી 1950 ના રોજ અથવા તે પછી ભારતની નાગરિકતા મેળવવા માટે પાત્ર હતા. જોકે, પાકિસ્તાન કે બાંગ્લાદેશના નાગરિક રહેલા વ્યક્તિઓ અથવા જેમના પૂર્વજો (માતા-પિતા, દાદા-દાદી કે પરદાદા-પરદાદી) આ દેશોના નાગરિક હતા, તેઓ OCI યોજના માટે પાત્ર ઠરશે નહીં.

