Maharastra news: અંબરનાથમાં ગોઠવાયા રાજકીય સોગઠા, કોંગ્રેસના ૧૨ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના ચૂંટણી પરિણામો બાદ રાજકીય ઉથલપાથલ વચ્ચે, કોંગ્રેસના તમામ 12 સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે. બુધવારે મોડી રાત્રે, ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે ઔપચારિક રીતે પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી.
વિકાસના નામે પક્ષ પરિવર્તન
ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું કે આ કાઉન્સિલરોએ જનતાને વિકાસનું વચન આપ્યું હતું અને વર્તમાન સરકારની ગતિશીલ કાર્યશૈલી જોઈને તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો. કાઉન્સિલરોના કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાથી સ્થાનિક સ્તરે પાર્ટીનો પાયો નોંધપાત્ર રીતે મજબૂત થયો છે. ભાજપના નેતૃત્વ હેઠળનું આ ગઠબંધન હવે અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલનું નેતૃત્વ સંભાળશે. આ શિવસેના માટે મોટો ફટકો છે, જે બહુમતીની નજીક હોવા છતાં, ગઠબંધનની ગણતરીમાં નિષ્ફળ ગઈ.
બેઠકનું ગણિત અને સત્તાની સોગઠી
અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કુલ 60 સભ્યો છે. 20મી ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં, શિવસેનાએ 27 બેઠકો જીતી હતી, જે બહુમતીથી માત્ર ચાર બેઠકો દૂર હતી. ભાજપે 14, કોંગ્રેસે 12 અને એનસીપીએ ચાર બેઠકો જીતી હતી, જ્યારે બે અપક્ષ ઉમેદવારો પણ ચૂંટાયા હતા.
શિવસેના બહુમતીથી માત્ર 4 બેઠકો દૂર હતી, પરંતુ ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન કરીને શિવસેનાને સત્તાથી દૂર રાખવામાં સફળતા મેળવી હતી. હવે કોંગ્રેસના 12 સભ્યો ભાજપમાં ભળતા ભાજપની તાકાત નગરપાલિકામાં વધી ગઈ છે.

