બિહારમાં મહાગઠબંધનનો સંકલ્પ પત્ર જાહેર, સરકારી નોકરી-પેન્શન સહિતના જાણો ક્યા વચન આપ્યા
બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધને મેનિફેસ્ટો જાહેર કર્યો છે.મહાગઠબંધનના સંકલ્પ પત્રને 'તેજસ્વી પ્રણ' નામ આપવામાં આવ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે બિહારમાં 6 અને 11 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે.
બિહાર ચૂંટણી માટે મહાગઠબંધનનો મેનિફેસ્ટો જાહેર
મહાગઠબંધનના મેનિફેસ્ટોને 'તેજસ્વી પ્રણ' નામ આપવામાં આવ્યું છે. પટણાની મૌર્યા હોટલમાં મહાગઠબંધનના તમામ સહયોગી પક્ષની પ્રેસ કોન્ફરન્સમાં મેનિફેસ્ટોની જાહેરાત થઇ હતી. આ પ્રસંગે કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે મહાગઠબંધને સૌથી પહેલા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી ફેસ જાહેર કર્યો છે. બિહાર 20 વર્ષ પાછળ જઇ ચુક્યુ છે. આપણા મેનિફેસ્ટોમાં એવા કેટલાક મુદ્દા છે જે બિહારના દરેક શખ્સની જિંદગી સાથે જોડાયેલા છે.
તેજસ્વી યાદવની આગેવાનીમાં જાહેર સંકલ્પ પત્રમાં મહાગઠબંધને રોજગાર, સામાજિક ન્યાય, મહિલા સશક્તિકરણ અને ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવાનું વચન આપ્યું છે. ગઠબંધને કહ્યું કે આ માત્ર એક ચૂંટણી દસ્તાવેજ નથી પણ સમૃદ્ધ અને ન્યાયપૂર્ણ બિહારના નિર્માણનો ઐતિહાસિક સંકલ્પ છે. સંકલ્પ પત્રમાં નીતિશ કુમારના નેતૃત્ત્વ ધરાવતી NDA સરકાર પર બે દાયકામાં શાસનની નિષ્ફળતા, ભ્રષ્ટાચાર અને બેરોજગારીને વધારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મહાગઠબંધનના મેનિફેસ્ટોમાં મુખ્ય વચન અને જાહેરાત
દરેક પરિવારને એક નોકરી
બિહારમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાના 20 દિવસની અંદર દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનો અધિનિયમ લાવવાનું વચન આપવામાં આવ્યું છે. 20 મહિનાની અંદર નોકરીઓની પ્રક્રિયા શરૂ કરવાની વાત કહેવામાં આવી છે.
મહિલાઓ માટે 'માઇ-બહિન માન યોજના'
મહિલાઓને 1 ડિસેમ્બરથી 2500 દર મહિનાની આર્થિક સહાયતા આપવામાં આવશે. પાંચ વર્ષમાં કૂલ 30,000 વાર્ષિક સહાય મળશે. દીકરીઓ માટે BETI અને માતાઓ માટે MAI યોજના લાવવાની જાહેરાત કરવામાં આવી છે.
જૂની પેન્શન યોજના લાગુ કરાશે
રાજ્યમાં OPS (Old Pension Scheme)ને ફરી લાગુ કરવાનું વચન આપવામાં આવ્યું છે.
મફત વીજળી અને પેન્શન
દરેક પરિવારને 200 યૂનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગો માટે 1500 અને 3000 માસિક પેન્શનની જોગવાઇ કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય સુરક્ષા
દરેક વ્યક્તિને 25 લાખ સુધીની મફત સ્વાસ્થ્ય વીમા આપવાની વાત કહેવામાં આવી છે. જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજોને સુપર સ્પેશ્યાલિટી સુવિધાઓથી લેસ કરવામાં આવશે.
મહત્ત્વપૂર્ણ છે કે મહાગઠબંધને તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો છે જ્યારે ડેપ્યુટી સીએમનો ચહેરો VIPના પ્રમુખ મુકેશ સહની છે. મહાગઠબંધનમાં RJD, કોંગ્રેસ, લેફ્ટના ત્રણ પક્ષ (CPI-M,CPI,CPM), મુકેશ સહનીની પાર્ટી VIP અને આઇપી ગુપ્તાનો પક્ષ સામેલ છે.
RJD-143, કોંગ્રેસ-62, VIP-15,CPI-માલે-20,CPM-6,CPI-4 અને આઇપી ગુપ્તાની પાર્ટી 3 બેઠક પર ચૂંટણી લડી રહી છે.

