માલ્યા અને નીરવ જેવા 15 ભાગેડુઓના કારણે રૂ.58 હજાર કરોડનું નુકસાન, સરકારે સંસદમાં જાહેર કર્યો આંકડો

કેન્દ્રીય નાણાં મંત્રાલયે સોમવારે સંસદમાં 15 ભાગેડુ આર્થિક ગુનેગારો વિશે મહત્ત્વની માહિતી આપી છે. કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે, નીરવ મોદી, વિજય માલ્યા, નીતિન સંદેસરા અને ચેતન સંદેસરા સહિત 15 વ્યક્તિઓને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે. ભાગેડુ આર્થિક ગુનેગાર અધિનિયમ, 2018 હેઠળ વિશેષ કોર્ટે આ નિર્ણય લીધો છે.
15 ભાગેડુઓના કારણે રૂ.58,082 કરોડથી વધુનું નુકસાન
આ 15 ભાગેડુઓએ 31 ઓક્ટોબર 2025 સુધીમાં બેંકોને કુલ રૂપિયા 26,645 કરોડનું મોટું નુકસાન પહોંચાડ્યું છે. રિપોર્ટ મુજબ, આ ભાગેડુઓના ખાતા NPA જાહેર થયાની તારીખથી 31 ઓક્ટોબર 2025 સુધીમાં તેમના દેવા પર વ્યાજ તરીકે વધારાનું રૂપિયા 31,437 કરોડનું નુકસાન થયું છે. આમ, આ 15 ભાગેડુઓ દ્વારા બેંકોને પહોંચાડવામાં આવેલું કુલ નાણાકીય નુકસાન રૂપિયા 58,082 કરોડથી વધુનું થઈ જાય છે, જે એક ગંભીર આર્થિક ફટકો દર્શાવે છે.
બેંકોએ જપ્ત સંપત્તિની હરાજી કરી રૂ.19,187 કરોડની રકમ મેળવી
તેમણે વધુમાં કહ્યું કે, સરકારે આ ભાગેડુ આર્થિક ગુનેગારોની સંપત્તિઓ જપ્ત કરવાની અને વેચવાની કાર્યવાહીને વધુ ઝડપી બનાવી છે. 31 ઓક્ટોબર 2025 સુધીમાં આ 15 વ્યક્તિઓ પાસેથી જપ્ત કરેલી સંપત્તિઓની હરાજી અને અન્ય કાનૂની પ્રક્રિયાઓ દ્વારા કુલ રૂ.19,187 કરોડની રકમ બેંકોને પાછી આપવામાં આવી છે.

