'દુનિયાનું સ્વાગત કરવા માટે આતુર છીએ', ભારતમાં કોમનવેલ્થ ગેમ્સની મંજૂરી મળતા PM મોદીની પ્રતિક્રિયા

કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારત કરશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીએ અમદાવાદ શહેરને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે મંજૂરી આપી છે. ભારતે અગાઉ 2010 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. ભારતમાં કોમનવેલ્થ ગેમ્સને મંજૂરી મળતા PM મોદીએ પ્રતિક્રિયા આપી છે.
ભારતમાં કોમનવેલ્થ ગેમ્સને મંજૂરી મળતા PM મોદીની પ્રતિક્રિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મને ખુશી છે કે ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે બિડ જીતી લીધી છે. ભારતના લોકો અને રમતગમત જગતને અભિનંદન. આપણી સામૂહિક પ્રતિબદ્ધતા અને રમતગમતની ભાવનાએ ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત રીતે સ્થાપિત કર્યું છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવનામાં, આપણે આ ઐતિહાસિક રમતોને ખૂબ જ ઉત્સાહથી ઉજવવા માટે આતુર છીએ. આપણે દુનિયાનું સ્વાગત કરવા માટે આતુર છીએ.'
ભારત માટે ગર્વની ક્ષણ: રમતગમત મંત્રી
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ-2030નું આયોજન કરવાનો અધિકાર આપવાનો નિર્ણય ભારત માટે ગર્વની ક્ષણ છે. કારણ કે દેશ 2047 સુધીમાં રમતગમતની મહાસત્તા બનવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગયા મહિને કોમનવેલ્થ ગેમ્સ એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા અમદાવાદને પ્રસ્તાવિત યજમાન તરીકે ભલામણ કર્યા પછી 74 સભ્યોની જનરલ એસેમ્બલીએ ભારતની બિડને મંજૂરી આપી હતી.
કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખનું નિવેદન
કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ ડૉ. ડોનાલ્ડ રુકારેએ જણાવ્યું હતું કે, 'આ કોમનવેલ્થ સ્પોર્ટ માટે એક નવા સુવર્ણ યુગની શરૂઆત દર્શાવે છે. ગેમ્સ રીસેટ પછી અમે ગ્લાસગો 2026 માટે ખૂબ જ સારી તૈયારી સાથે આગળ વધી રહ્યા છીએ, જ્યાં અમે 74 કોમનવેલ્થ ટીમોનું સ્વાગત કરીશું. આ પછી અમદાવાદ 2030 પર અમારી નજર રહેશે, જે કોમનવેલ્થ ગેમ્સના ખાસ શતાબ્દી સંસ્કરણનું આયોજન કરશે.'

