રવિન્દ્ર ભાટીની લોકસભા ચૂંટણી લડવાની જાહેરાતથી ભાજપ-કોંગ્રેસની મુશ્કેલી વધી, બાડમેર-જેસલમેર બેઠક પર જામશે ત્રિકોણીય જંગ

રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીની તમામ 25 બેઠક પર ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવાર જાહેર થયા પહેલા જ રાજકારણ ગરમાયું છે. અત્યાર સુધી 23 બેઠક પર જ મુકાબલો ફિક્સ થયો છે. શિવના અપક્ષ ધારાસભ્ય રવિન્દ્ર સિંહ ભાટીના બાડમેર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત સાથે જ હવે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ઉમ્મેદારામ બેનીવાલની મુશ્કેલી વધી ગઇ છે.
શિવના અપક્ષ ધારાસભ્ય રવિન્દ્ર સિંહ ભાટીએ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉતરવાની જાહેરાત કરી છે.રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે લોકસભા ચૂંટણીમાં પણ રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે રવિન્દ્ર સિંહ ભાટીએ સમર્થકો અને કાર્યકર્તાઓ વચ્ચે જઇને આ વાતનો નિર્ણય કર્યો છે. સાથે જ 4 એપ્રિલે નોમિનેશન ભરવાની જાહેરાત પણ કરી છે.
બધુ દાંવ પર લગાવી રહ્યો છું- ભાટી
રવિન્દ્ર સિંહ ભાટીએ લોકસભા ચૂંટણી 2024માં ઉતરવાના મહત્ત્વના નિર્ણયને લઇને સર્વ સમાજની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ રવિન્દ્ર ભાટીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. રવિન્દ્ર ભાટીએ ચૂંટણી લડવાની જાહેરાત સાથે પોતાના સમર્થકો વચ્ચે કહ્યું કે, હવે સમય આવી ગયો છે 21 લાખ મતદાર, 2600 બૂથ, 1 મહિનાનો સમય, હું મારૂ બધુ દાંવ પર લગાવી રહ્યો છું. હિમ્મત અને તાકાત બની શકો તો હાથ ઉંચા કરો.
રવિન્દ્ર ભાટીની આ વાત સાંભળીને સમર્થકોએ હાથ ઉંચા કર્યા હતા અને કહ્યું કે, અમે પણ રવિન્દ્ર સિંહ છીએ. આ સાથે જ ‘રવિન્દ્ર દિલ્હી જશે’ના નારા પણ લગાવ્યા હતા. રવિન્દ્ર ભાટીએ ફરી સમર્થકોને પૂછ્યુ કે બધા તૈયાર છો, તમારા મનમાં શું છે, ચૂંટણી લડીયે. કારણ કે મારી ગાડીમાં રિવર્સ નામનું ગિયર નથી. હું 26નો છું અને આ વ્યક્તિને જે મળવું જોઇએ તેનાથી ડબલ મળી ગયું છે.
બાડમેર બેઠક પર ત્રિકોણીય જંગ જામશે
બાડમેર-જેસલમેર લોકસભા વિસ્તાર જાટ અને રાજપૂત વસ્તી ધરાવે છે. કોંગ્રેસે અહીં ડેમેજ કંટ્રોલ કરતા રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી છોડીને તાજેતરમાં કોંગ્રેસમાં સામેલ થયેલા ઉમ્મેદારામ બેનીવાલને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ ભાજપે સાંસદ અને કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. હવે રવિન્દ્ર સિંહ ભાટીએ પણ ચૂંટણી મેદાનમાં અપક્ષ ઉતરવાનો નિર્ણય કર્યો છે જેનાથી આ બેઠક પર ત્રિકોણીય મુકાબલો જામશે.
રવિન્દ્ર ભાટી ભાજપ સામે બળવો કરીને ચૂંટણી જીત્યા
વિધાનસભા ચૂંટણી 2023 પહેલા રવિન્દ્ર સિંહ ભાટી ભાજપમાં સામેલ થયા હતા. જ્યાં તેમણે શિવ વિધાનસભા બેઠક પર ટિકિટ માંગી હતી. ટિકિટ ના મળતા નારાજ રવિન્દ્ર સિંહ ભાટીએ શિવ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. લોકસભા ચૂંટણીની તૈયારીઓ સાથે જ તેમણે શક્તિ પ્રદર્શન કરતા પોતાના વિસ્તારમાં દેવ દર્શન યાત્રા કાઢી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે રવિન્દ્ર સિંહ ભાટીની બાડમેર-જેસલમેર વિસ્તારમાં સારી પકડ છે આ સાથે યુવાઓ પણ તેમણે પસંદ કરે છે.
ઉમ્મેદારામ બે વખત હારી ચુક્યા છે વિધાનસભા ચૂંટણી
કોંગ્રેસે ઉમ્મેદારામ બેનીવાલ પર વિશ્વાસ બતાવ્યો છે. ઉમ્મેદારામ બેનીવાલ તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી 2023માં બાયતુ બેઠક પરથી માત્ર 910 મતથી હારી ગયા હતા. બાયતુથી કોંગ્રેસના હરીશ ચૌધરી ચૂંટણી જીત્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર બાલારામ મૂંડ 25101 વોટોથી પાછળ રહી ગયા હતા. વર્ષ 2018માં વિધાનસભા ચૂંટણીમાં પણ ઉમ્મેદારામ બેનીવાલ બાયતુ વિધાનસભા બેઠક પર બીજા સ્થાને રહ્યાં હતા.
કૈલાશ ચૌધરીએ 2019માં માનવેન્દ્રને હરાવ્યા હતા
ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી 2004માં જિલ્લા પરિષદના સભ્ય ચૂંટાયા હતા. 2013માં બાયતુ વિધાનસભાના ધારાસભ્ય બન્યા હતા. 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન તે બાડમેરના સાંસદ બન્યા હતા. આ દરમિયાન મોદી સરકારમાં તેમણે કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. કૈલાશ ચૌધરીની ટિકિટ પાછળ તેમની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથેની પૃષ્ઠભૂમિ મુખ્ય છે. ગત વખતે તેમણે બાડમેર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના માનવેન્દ્ર સિંહને હરાવીને જીત મેળવી હતી.

