PM મોદી 30 માર્ચથી કરશે લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ, મેરઠમાં ટીવીના રામ માટે માંગશે મત

લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત બાદ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઇ છે. એક તરફ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ ચૂંટણી પ્રચારની તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચથી લોકસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરશે. પીએમ મોદી 30 માર્ચે ભાજપના ઉમેદવાર અરૂણ ગોવિલ માટે પ્રચાર કરશે. આ દરમિયાન LRDના અધ્યક્ષ જયંત ચૌધરી પણ સંયુક્ત રીતે વડાપ્રધાન મોદી સાથે સ્ટેજ શેર કરશે.
આ લોકસભા ચૂંટણીમાં આરએલડી ભાજપ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. આ ગઠબંધનમાં આરએલડીના ભાગે બે લોકસભા બેઠક-બિજનૌર અને બાગપત આવી છે. આ સિવાય આરએલડીને એક વિધાન પરિષદ બેઠક પણ ભાજપે આપી છે. ગઠબંધન બાદ હવે આરએલડીના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરી જ્યાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરતા જોવા મળશે તો બીજી તરફ ભાજપના નેતાઓ આરએલડીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. જયંત ચૌધરી મેરઠમાં પીએમ મોદી સાથે જોવા મળવાના છે.
મહત્ત્વપૂર્ણ છે કે દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે અને 4 જૂને મતગણતરી થશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન, 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન, 7 મેએ ત્રીજા તબક્કાનું મતદાન, 13 મેએ ચોથા તબક્કાનું મતદાન, 20મેએ પાંચમા તબક્કા, 25 મેએ છઠ્ઠા તબક્કાનું મતદાન અને 1 જૂને સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન યોજાશે. મેરઠમાં બીજા ચરણમાં 26 એપ્રિલે મતદાન યોજાશે.
મેરઠ લોકસભામાં 19 લાખથી વધુ મતદાર
મેરઠ લોકસભા ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકમાંથી એક છે. 2011ના આંકડા અનુસાર મેરઠની વસ્તી 35 લાખ છે જેમાંથી 65 ટકા હિન્દૂ, 36 ટકા મુસ્લિમ વસ્તી છે. મેરઠમાં કુલ વોટરોની સંખ્યા 1964388 જેમાં 55.09 ટકા પુરૂષ અને 44.91 ટકા મહિલા વોટર છે. 2013માં અહીં મતદાનની ટકાવારી 63.12 ટકા રહી છે.
મેરઠ લોકસભા બેઠકનો ઇતિહાસ
1857માં સ્વાધીનતા સંગ્રામનો પાયો નાખનારૂ શહેર મેરઠ પશ્ચિમ ઉત્તર પ્રદેશની રાજનીતિનું કેન્દ્ર માનવામાં આવે છે. દેશમાં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણીમાં અહીં કોંગ્રેસનો પંજો લહેરાયો હતો પરંતુ 1967માં સોશિયલિસ્ટ પાર્ટીએ કોંગ્રેસને હરાવ્યું હતું. 1971માં એક વખત ફરી કોંગ્રેસે બાજી મારી હતી પરંતુ તેના પછીની ચૂંટણીમાં ઇમરજન્સી વિરૂદ્ધ લહેરમાં જનતા પાર્ટી જીતી હતી. 1980,1984માં કોંગ્રેસ તરફથી મોહસિના કિદવઇ અને 1989માં જનતા પાર્ટીએ આ બેઠક જીતી હતી. 1990ના સમયમાં દેશમાં રામ મંદિર આંદોલનની મેરઠમાં સીધી અસર જોવા મળી હતી અને તે બાદથી આ બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની ગઇ છે.
2019 અને 2014 લોકસભા ચૂંટણીનો જનાદેશ
2019 લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના રાજેન્દ્ર અગ્રવાલે જીત મેળવી હતી, તેમણે 5,86,184 મત મળ્યા હતા. જ્યારે બસપાના હાજી યાકુબ કુરૈશી 5,81,455 મત સાથે બીજા સ્થાન પર રહ્યાં હતા અને કોંગ્રેસના હરેન્દ્ર અગ્રવાલ 34,479 મત સાથે ત્રીજા સ્થાને રહ્યાં હતા.

