Election 2024: 6 લક્ઝરી કાર, મુંબઇમાં ત્રણ ઘર, 5 વર્ષમાં 9 કરોડ કરતા વધુ સંપત્તિ, જાણો નિતિન ગડકરી કેટલા છે અમીર

Nitin Gadkari Total Net Worth: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાન (19 એપ્રિલ) માટે નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. 21 રાજ્યની 102 બેઠક પર પ્રથમ તબક્કામાં મત નાખવામાં આવશે. આ ચૂંટણી માટે કેટલાક ધુરંધર મેદાનમાં છે અને તે પોતાના ચૂંટણી અભિયાનમાં ઉતરી ચુક્યા છે. આ યાદીમાં એક મોટુ નામ છે કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરીનું.
નિતિન ગડકરીએ પોતાની પરંપરાગત બેઠક નાગપુરથી નોમિનેશન ફાઇલ કર્યું છે. નોમિનેશન ફોર્મ સાથે નિતિન ગડકરીએ જે એફિડેવિટ જમા કરી છે તેના અનુસાર ગડકરી કરતા વધુ તેમના પત્ની કંચન ગડકરી અમીર છે, તેમના નામ પર નિતિન ગડકરી કરતા વધારે સંપત્તિ છે. નિતિન ગડકરી પાસે કેટલીક ગાડીઓ પણ છે.
નિતિન ગડકરીની વાર્ષિક કમાણી કેટલી છે?
એફિડેવિટ અનુસાર, 2018-19માં કેન્દ્રીય મંત્રીની કુલ કમાણી 11.71 લાખ રૂપિયા હતી. 2019-20માં તેમની કમાણી 11.63 લાખ રૂપિયા, 2020-21માં 13.31 લાખ રૂપિયા, 2021-22માં 12.30 લાખ રૂપિયા અને 2022-23માં કમાણી 13.84 લાખ રૂપિયા રહી છે.
ગડકરીના પત્નીની વાર્ષિક આવક કેટલી?
ગડકરીના પત્ની કંચન ગડકરીની કમાણીની વાત કરવામાં આવે તો 2018-19માં તેમની કમાણી 38.10 લાખ રૂપિયા, 2019-20માં 37.97 લાખ રૂપિયા, 2020-21માં 38.01 લાખ રૂપિયા, 2021-22માં 38.27 લાખ રૂપિયા અને 2022-23માં તેમની કમાણી 40.62 લાખ રૂપિયા હતી.
કેટલી છે ચલ સંપત્તિ?
એફિડેવિટ અનુસાર, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પાસે 12,300 રૂપિયા અને પત્ની પાસે 14,750 રૂપિયા કેશ છે. નિતિન ગડકરીના 21 બેન્ક ખાતામાં 49.06 લાખ રૂપિયા જમા છે, જ્યારે પત્ની કંચન ગડકરીના બેન્ક એકાઉન્ટમાં 16.03 લાખ રૂપિયા જમા છે. રોકાણની વાત કરીએ તો નિતિન ગડકરીએ શેર અને મ્યુચુઅલ ફંડ્સમાં 35.55 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી રાખ્યા છે, તેમના પત્નીએ 20.51 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. શપથ પત્રમાં ગડકરીએ જણાવ્યું કે તેમના અને તેમની પત્નીના નામ પર ત્રણ-ત્રણ ગાડીઓ છે. નિતિન ગડકરી પાસે એમ્બેસેડર કાર, 16.75 લાખ રૂપિયાની હોન્ડા અને 12.55 લાખ રૂપિયાની ઇસુજી ડી-મેક્સ છે જ્યારે પત્નીના નામ પર 15.25 લાખ રૂપિયાની ઇનોવા કાર, 4.10 લાખ રૂપિયાની મહિન્દ્રા અને 7.19 લાખ રૂપિયાની ટાટા ઇંટ્રા કાર છે.
લાખો રૂપિયાના ઘરેણા
નિતિન ગડકરી પાસે 486 ગ્રામ સોનાની જ્વેલરી છે, જેની કિંમત 31.88 લાખ રૂપિયા છે, તેમના પત્ની કંચન પાસે 368 ગ્રામ ગોલ્ડ જ્વેલરી છે, જેની કિંમત 24.13 લાખ રૂપિયા છે. જ્વેલરી, કાર અને બેન્ક એકાઉન્ટસમાં જમા કેશને મળીને જોઇએ તો નિતિન ગડકરી પાસે કુલ 3.53 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે.
કેટલી છે અચલ સંપત્તિ?
નિતિન ગડકરી પાસે નાગપુરમાં 15.74 એકર ખેતીની જમીન છે, જેની કિંમત આશરે 1.57 કરોડ રૂપિયા છે. પરિવાર પાસે 14.60 એકર ખેતીની જમીન છે, જેની કિંમત 1.79 કરોડ રૂપિયા છે. નિતિન ગડકરી અને તેના પરિવારના નામ પર મુંબઇ અને નાગપુરમાં કુલ સાત મકાન છે. મુંબઇમાં નિતિન ગડકરીના નામ પર બે રહેણાંક બિલ્ડિંગ છે, જેની કિંમત 4.95 કરોડ રૂપિયા છે. નિતિન ગડકરી પાસે પોતાની અને પરિવારને મળીને 24.49 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે.

