કંગના રનૌત પર વિવાદિત ટિપ્પણી કરવી સુપ્રિયા શ્રીનેતને ભારે પડી, કોંગ્રેસે લોકસભા ચૂંટણીની ટિકિટ કાપી

કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 14 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે ઝારખંડ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ માટે ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે પોતાની મહિલા પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતની ટિકિટ કાપી નાખી છે.
સુપ્રિયા શ્રીનેતની ટિકિટ કપાઇ
સુપ્રિયા શ્રીનેતે 2019 લોકસભાની ચૂંટણી ઉત્તર પ્રદેશના મહારાજગંજથી લડી હતી પરંતુ તે ભાજપના પંકજ ચૌધરી સામે હારી ગયા હતા. સુપ્રિયા શ્રીનેત તાજેતરમાં કંગના રનૌત પર ટિપ્પણીને લઇને ભાજપના નિશાના પર છે. ભાજપે હિમાચલ પ્રદેશના મંડીથી કંગના રનૌતને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે.
સુપ્રિયા શ્રીનેતની જગ્યાએ આ વખતે કોંગ્રેસે મહારાજગંજથી વીરેન્દ્ર ચૌધરીને લોકસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વીરેન્દ્ર ચૌધરી મહારાજગંજ જિલ્લાની ફરેદા બેઠકના વર્તમાન ધારાસભ્ય છે અને પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ છે. ભાજપે આ વખતે નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીને જ મહારાજગંજથી ઉતાર્યા છે. પંકજ અહીંથી સતત 6 વખત ચૂંટણી જીતી ચુક્યા છે. 2019માં પંજક ચૌધરીને 7 લાખ 26 હજારથી વધુ મત મળ્યા હતા.
સુપ્રિયા શ્રીનેતે કંગના પર કરી હતી વિવાદિત ટિપ્પણી
સુપ્રિયા શ્રીનેતની વાત કરીએ તો તેમણે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કંગના રનૌત તથા મંડી પર આપત્તિજનક ટિપ્પણી કરીને રાજકીય વિવાદ ઉભો કર્યો હતો. ચૂંટણી પંચે પણ એક્ટ્રેસ કંગના રનૌત વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ માટે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને કારણજણાવો નોટિસ ફટકારી હતી.
આ પહેલા સુપ્રિયા શ્રીનેતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમના ફેસબુક અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે અને તેના દ્વારા કોઇએ પોસ્ટ કરી છે. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું, “જેવી જ મને ખબર પડી તો મે તે પોસ્ટ હટાવી દીધી હતી, જે લોકો મને જાણે છે, તે એમ પણ સારી રીતે જાણે છે કે હું ક્યારેય કોઇ પણ મહિલા પ્રત્યે વ્યક્તિગત અને અશોભનીય ટિપ્પણી કરી શકતી નથી. હું જાણવા માંગુ છું કે આ કેવી રીતે થયું.”

