ચંદીગઢથી કિરણ ખેરની ટિકિટ કપાઇ, લોકસભા ચૂંટણી માટે ભાજપે નવી યાદી જાહેર કરી

ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભા ચૂંટણી માટે વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં નવ ઉમેદવારના નામ છે જેમાં ઉત્તર પ્રદેશની સાત અને પશ્ચિમ બંગાળની આસનસોલ અને ચંદીગઢની બેઠક સામેલ છે.
કિરણ ખેરની ટિકિટ કપાઇ
ભાજપે ચંદીગઢથી વર્તમાન સાંસદ કિરણ ખેરની ટિકિટ કાપી નાખી છે. કિરણ ખેરની જગ્યાએ સંજય ટંડનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય આસનસોલથી શત્રુઘ્ન સિન્હા વિરૂદ્ધ એસએસ અહલુવાલિયાને ઉતારવામાં આવ્યા છે.
ભાજપ નેતાએ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને બલિયાથી ટિકિટ આપી છે. ગાજીપુરથી મુખ્તાર અંસારીના ભાઇ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અફઝલ અંસારી સામે પારસનાથ રાયને ઉતાર્યા છે.
આ સિવાય બંગાળની આસનસોલ બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએસ અહલુવાલિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અહીં પહેલા ભાજપે ભોજપુરી અભિનેતા પવન સિંહને ટિકિટ આપી હતી. ટિકિટ મળવાના 24 કલાકની અંદર જ પવન સિંહે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. અહલુવાલિયાનો મુકાબલો તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિન્હા સામે થશે.

