Lok Sabha Elections 2024: પંજાબમાં એકલા ચૂંટણી લડશે ભાજપ, અકાલી દળ સાથે ના થયું ગઠબંધન

ભાજપ પંજાબમાં એકલા જ લોકસભા ચૂંટણી લડશે. આ જાહેરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડે કરી છે. અકાલી દળ અને ભાજપ વચ્ચે ગઠબંધનના સમાચાર ચાલતા હતા પરંતુ ભાજપની જાહેરાત બાદ સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે અને ભાજપ કોઇ ગઠબંધન વગર પંજાબમાં એકલા ચૂંટણી લડશે.પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી.
સુનીલ જાખડે કહ્યું, ‘લોકો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા બાદ ભાજપે રાજ્યમાં એકલા જ લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, તેમણે કહ્યું કે સરહદી પંજાબની શાંતિ જ ભારતની મજબૂત વિકાસનો રસ્તો છે અને રાજ્યના તમામ વર્ગોના કામ માટે ભાજપે એકલા જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.” આ જાહેરાત બાદ ભાજપ પંજાબની 13 બેઠક પર એકલા જ ચૂંટણી લડશે.
ખેડૂતો પર સુનીલ જાખડે શું કહ્યું?
સુનીલ જાખડે કહ્યું કે, ખેડૂતોના પાકનો એક એક દાણો છેલ્લા 10 વર્ષમાં MSP પર ઉઠાવવામાં આવ્યો છે. એક અઠવાડિયાની અંદર ખેડૂતોને પાકની ચુકવણી કરવામાં આવી છે. કરતારપુર સિંહના કોરિડોર પણ પીએમ મોદીના નેતૃત્વમાં ખોલવામાં આવ્યું. આગળ પણ પંજાબના સુવર્ણ ભવિષ્ય માટે આ નિર્ણય અમે કર્યો છે. મને પુરો વિશ્વાસ છે કે પંજાબના લોકો લોકસભા ચૂંટણીમાં ભાજપને મત આપીને દેશની પ્રગતિમાં પોતાનું સમર્થન આપશે.
2019માં ભાજપ-અકાલી દળે સાથે મળીને લડી હતી ચૂંટણી
2019ની લોકસભા ચૂંટણી અકાલી દળે ભાજપ સાથે NDAમાં રહીને લડી હતી પરંતુ 2020-21ના ખેડૂત આંદોલન સમયે બન્ને પક્ષ વચ્ચે ટકરાવ થયો હતો જે બાદ અકાલી દળે ભાજપ સાથે બે દાયકા કરતા પણ વધુનો સંબંધ તોડી નાખ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં તેની અસર જોવા મળી હતી. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPએ ઐતિહાસિક જીત મેળવી હતી અને 117માંથી 92 વિધાનસભા બેઠક પર કબ્જો કર્યો હતો.

