Lok Sabha Election 2024: શનિવારની મોડી રાત સુધી ચાલી હતી BJPની CECની બેઠક, ઉમેદવારોના નામો પર થઈ ચર્ચા

લોકસભા ચૂંટણી 2024ને લઈને BJPની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક શનિવારે (23 માર્ચ) મોડી રાત સુધી ચાલી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત CEC સભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં આયોજિત બેઠકમાં સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી છે, જેમાં ધર્મેન્દ્ર પ્રધાન, સંબિત પાત્રા, અપરાજિતા સારંગી, અતુલ ગર્ગ, અરુણ ગોવિલ, રાઘવ લખનપાલ અને કુંવર સર્વેશ સિંહના નામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણી માટે કઇ બેઠક પરથી કોને મળી શકે છે ટિકિટ?
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઓડિશાના સંબલપુરથી ટિકિટ મળી શકે છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને પુરીથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. પાર્ટી ફરીથી આ બેઠક પરથી ભુવનેશ્વરથી ભાજપના વર્તમાન સાંસદ અપરાજિતા સારંગીને મેદાનમાં ઉતારી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશની 10 બેઠકો માટે પણ નામો પર ચર્ચા થઈ છે. ભાજપ ગાઝિયાબાદથી અતુલ ગર્ગ, મેરઠથી અરુણ ગોવિલ, સહારનપુરથી રાઘવ લખનપાલ અને મુરાદાબાદથી કુંવર સર્વેશ સિંહને મેદાનમાં ઉતારી શકે છે.
લોકસભા ચૂંટણી માટે ભાજપે અત્યાર સુધીમાં કેટલા ઉમેદવારોની જાહેરાત કરી?
અત્યાર સુધી ભાજપે 291 ઉમેદવારોની જાહેરાત કરી છે પરંતુ કેટલાક રાજ્યોમાં ઘણી બેઠકો પર ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિતના પક્ષના અગ્રણી ચહેરાઓના નામની જાહેરાત થઈ ચૂકી છે. ભાજપના આ તમામ દિગ્ગજ નેતાઓ તેમના વર્તમાન મતવિસ્તારોમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024 માટે 19 એપ્રિલથી 1 જૂનની વચ્ચે સાત તબક્કામાં મતદાન થશે અને મતોની ગણતરી 4 જૂનથી શરૂ થશે.

