મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દીપડાની દહેશતની ચૂંટણી પ્રચાર પર અસર! ગ્રામજનોએ કરી અપીલ

મહારાષ્ટ્રમાં નગર- પરિષધ અને નગર પંચાયતની મંગળવારે ચૂંટણીઓ થવાની છે. પરંતુ પહેલી જ વાર એવું બન્યું

દીપડાની દહેશતની ચૂંટણી પ્રચાર પર અસર! ગ્રામજનોએ કરી અપીલ

મહારાષ્ટ્રમાં નગર- પરિષધ અને નગર પંચાયતની મંગળવારે ચૂંટણીઓ થવાની છે. પરંતુ પહેલી જ વાર એવું બન્યું છે કે દીપડાની દહેશતે ચૂંટણી પ્રચાર પર માઠી અસર કરી છે. કારણ કે દીપડાની રંજાડ હોય એવાં ગ્રામવિસ્તારમાં મોડી સાંજે પ્રચાર માટે નીકળતા ઉમેદવારો પણ ગભરાય છે.

દહેશતગ્રસ્ત વિસ્તારના ગ્રામજનોએ અપીલ કરી છે કે વોટ જોઈતો હોય તો દીપડાના ત્રાસમાંથી અમને છોડાવો. પુણે, નાસિક અને અહિલ્યાનગર જિલ્લામાં છેલ્લાં કેટલાય મહિનાઓથી દીપડાના હુમલાના બનાવો બનતા રહ્યાં છે. દીપડાની વધતી જતી આબાદી અને ગ્રામજનો પર હુમલાની ઘટનાઓને પગલે ભયગ્રસ્ત વાતાવરણ છવાયું છે.

સાંજે 6 વાગ્યા પછી નથી કરી શકતા પ્રચાર

પુણે જિલ્લાના ઉત્તર ભાગમાં દીપડાની દહેશત એટલી હદે વધી ગઈ છે કે નગર- પરિષદ અને નગર-પંચાયતની ચૂંટણીઓ લડતા ઉમેદવારો સાંજે છ પછી પ્રચાર માટે ફરવાનું ટાળે છે. કારણ અનેક ગ્રામજનો પોતાના ખેતરોમાં જ ઘર બાંધીને રહે છે. આ ખેતરોમાં જ દીપડા લપાઈને બેઠા હોય છે. એટલે સાંજને સમયે મતદારોનો સંપર્ક કરવા માટે ઉમેદવારો જઈ નથી શકતા.

ગ્રામજનો પણ સાંજે ૭ વાગ્યે ઘરમાં ભરાઈ જાય છે. જરૂરી કામ વિના બહાર નીકળતા જ નથી. એટલે સામાન્ય રીતે ગામડાઓમાં કે નાના ટાઉનમાં સાંજ પછી મીટિંગો કે પક્ષના કાર્યકરો વચ્ચે ચર્ચા- વિચારણા માટે બેઠકો થતી હોય છે એ લગભગ બંધ થઈ ગયું છે. સાંજે સભાનું આયોજન પણ ઓછું થઈ ગયું છે. દિવસે અથવા બપોરે સભાઓ યોજવામાં આવે છે.

જીવના જોખમે કોઈ બહાર નથી નીકળતું

પુણે જિલ્લાના ગ્રામવિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચારના કામ માટે ઉમેદવારો કે પક્ષો તરફથી પૈસા પણ આપવામા આવતા હોય છે. આમ છતાં જીવના જોખમે કોઈ સાંજે ચૂંટણીને લગતા કામ માટે બહાર નીકળતું નથી. કારણ કે જીવ તો સહુને વહાલો  હોયને? અમે તો એજ કહીએ છીએ કે જે ઉમેદવાર જીતે એ દીપડાના ત્રાસમાંથી ગ્રામજનોને મુક્ત કરાવે.

આ સમાચાર શેર કરો